5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપે કરી ક્રૂર મજાક
Uttarkashi Dharali Floods: ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યાના પાંચ દિવસ પછી શુક્રવારે (આઠમી ઓગસ્ટ) અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત તરીકે 5,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા. જોકે, ઘણાં લોકોએ આ રાહત રકમ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પીડિત લોકોએ કહ્યું કે, 'આ અમારા દુઃખનું અપમાન છે. અમે બધું ગુમાવ્યું છે, અમારા પરિવારો, ઘરો, કરોડો રૂપિયાના વ્યવસાયો. આ રકમ અપમાનજનક છે.' અમને વાયદો પાંચ પાંચ લાખનો કર્યો હતો અને તાત્કાલિક રાહતરૂપે 5-5 હજારના ચેક થમાવી દેવાયા છે.
પીડિતોએ જણાવી વ્યથા
અહેવાલ અનુસાર, પીડિત લોકોનું કહેવું છે કે, 'આ દુર્ઘટના પછી વિસ્તારમાં વીજળી નહોતી, તેથી તેમણે મીણબત્તીઓના પેકેટ વહેંચવામાં આવ્યા હતા, પરંતુ તે પણ ચાર દિવસ પછી અમરા સુધી પહોંચ્યા. અમે રાતો અંધારામાં વિતાવી. અમે ભોજન બનાવવા માટે લાકડા બાળ્યા. સરકાર રાશન વિશે વાત કરે છે, પરંતુ તે પણ અમારા સુધી પહોંચ્યું નહીં. રાશન શોધવા માટે અમારે ઘરે ઘરે ભટકવું પડ્યું.'
એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, '5,000 રૂપિયાના ચેક એક કામચલાઉ ઉપાય છે અને નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજુ બાકી છે.'
આ પણ વાંચો: 'આજે એ દાદાગીરી કરી રહ્યા છે કેમ કે...' ટ્રમ્પના ટેરિફ વચ્ચે નીતિન ગડકરીનું મોટું નિવેદન
ડીએમ અને એસડીએમ ઓફિસની બહાર દેખાવ
શુક્રવારે ગ્રામજનોએ ડીએમ અને એસડીએમ ઓફિસની બહાર દેખાવ કર્યો હતો અને રાહત કાર્યની ધીમી ગતિ પર સરકાર સામે 'મોદી ધામ તાપો' નારા લગાવ્યા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચમાં હર્ષિલ અને મુખાબાની મુલાકાત લીધી હતી અને તે સમયે આ સૂત્રનો ઉપયોગ આ વિસ્તારમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છઠ્ઠી ઓગસ્ટે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી ધરાલી ગામનો અડધો ભાગ નાશ પામ્યો હતો અને ઘણાં લોકો ગુમ થયા છે. સેનાના જવાનોની સાથે, ધરાલીમાં ઘણી એજન્સીઓ બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ ઘણાં લોકો હજુ પણ ફસાયેલા છે.