Get The App

ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં 1 - image


Uttarkashi Cloudburst Tragedy : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં કુદરતી આફતમાં કેરળના 28 પ્રવાસીઓ ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. ઉત્તરકાશીમાં ગઈકાલે વાદળ ફાટવાની ત્રણ ઘટના બની હતી, આ ઉપરાંત ભારે વરસાદના કારણે પર્વતનો અડધો ભાગ ધસી પડતા અનેક મકાનો-હોટલો કાદમાં દટાઈ ગયા હતા. લાપતા થયેલા પ્રવાસીઓના સંબંધીઓએ મીડિયાને કહ્યું કે, કેરળના 28 પ્રવાસીઓ ગંગોત્રી ધામ જવા નીકળ્યા હતા અને રસ્તામાં ધરાલી ગામમાં રોકાયા હતા. તેઓ સવારે ગંગોત્રી જવા નિકળવાના હતા, જોકે હવે તેમની કોઈ ભાળ મળી રહી નથી. કદાચ તેઓ કુદરતી આફતની ચપેટમાં આવી ગયા છે.

પ્રવાસીઓનો સંપર્ક થઈ રહ્યો નથી

ગુમ પ્રવાસીઓના સંબંધીઓએ કહ્યું કે, એક દિવસ પહેલા જ સંબંધીઓ સાથે વાત થઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ગંગોત્રી જઈ રહ્યા છે. અમને માહિતી મળી છે કે, તેઓ જે રસ્તા પર હતા, ત્યાં જ ભૂસ્ખલન થયું છે. હવે તેમની સાથે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. તેઓ કુદરતી આફતની ઝપેટમાં આવ્યા હોવાની કે પછી ફોનનું નેટવર્ક ન હોવાની કે બેટરી પૂરી થઈ ગઈ હોવાની સંભાવના છે. તેઓએ ઉત્તરાખંડ સરકારને અપીલ કરી છે કે, તેઓ 28 પ્રવાસીઓની શોધખોળ કરે.

વાદળ ફાટવાની ત્રણ ઘટના બની

ઉત્તરકાશી જિલ્લાના ધરાલી નજીક ગઈકાલે ખીર ગંગા નદી પર વાદળ ફાટવાના કારણે પૂર આવતા ત્યાંની 20-25 હોટેલ, હોમ સ્ટે, ઘરો અને ઝાડ તણાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ 50થી 100 લોકો લાપતા છે. પરિણામે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. બીજીબાજુ જળશક્તિ મંત્રાલયે જણાવ્યું કે મંગળવારે ઉત્તરકાશીમાં માત્ર અઢી કલાકના સમયમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બની હતી, જેના પગલે ધરાલીમાં ભારે વિનાશ વેરાયો હતો. આ સિવાય વરસાદે ઉત્તર ભારતમાં હિમાચલ, રાજસ્થાનથી લઈને દક્ષિણ સુધીના રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું.

20 સેકન્ડમાં અડધું ગામ પર્વતના કાટમાળમાં દટાઈ ગયું

ઉત્તરાખંડમાં આવેલું ધરાલી ગંગાના મુખ ગંગોત્રી ધામનું મુખ્ય સ્ટોપઓવર હોવાથી અહીં મોટી સંખ્યામાં હોટેલો, રેસ્ટોરાં અને સ્ટે હોમ્સ આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું રોકાણ હોય છે. મંગળવારે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં અડધું ગામ પર્વતના કાટમાળમાં દટાઈ ગયું હતું.  સૂત્રોના જણાવ્યા મુજબ કુદરતી દુર્ઘટના સમયે પણ ધરાલી ગામમાં અંદાજે 200થી વધુ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ હતા. આ ઘટનાના થોડાક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનો સંપર્ક કર્યો હતો અને અસરગ્રસ્તોની મદદ માટે સાત રેસ્ક્યુ ટીમો મોકલવાનો આદેશ આપ્યો હતો.

ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં 2 - image

હર્ષિલમાં 8થી 10 જવાનો લાપતા

સરકારે જણાવ્યું કે, એસડીઆરએફ, એનડીઆરએફ, આઈટીબીપી અને આર્મીની ટીમો બચાવ અને રાહત કાર્યમાં લાગી છે. ધરાલીની સાથે હર્ષિલ અને સુક્કીમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. હર્ષિલમાં 8થી 10 જવાનો લાપતા થયા હોવાના અહેવાલ છે. હર્ષિલમાં નદી કિનારે બનેલું હેલીપેડ પણ તણાઈ ગયું છે. ઉત્તરકાશીમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો હતો. મંગળવારે બપોરે 1.45 કલાકે વાદળ ફાટતા પર્વતના ખડકોનો કાટમાળ ખીરગંગા નદીમાં ખાબક્યો હતો, જેના કારણે નદી ઓવરફ્લો ધરાલીના મુખ્ય બજાર તરફ વળ્યો હતો અને માત્ર 20 સેકન્ડમાં જ અડધું ધરાલી ગામ કાટમાળ નીચે દટાઈ ગયું હતું.

આ પણ વાંચો : છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ

આ પણ વાંચો : ‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ સુપ્રીમ કોર્ટે શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ કરી

Tags :