‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ
Supreme Court : સુપ્રીમ કોર્ટે શાળા, કૉલેજ, હોસ્ટેલ અને ઔદ્યોગિક શેડના બાંધકામ માટે ‘પર્યાવરણની મંજૂરી લેવામાંથી મુક્તિ’ આપતા નોટિફિકેશનને રદ કરી દીધું છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે 29 જાન્યુઆરીએ આ નોટિફિકેશન બહાર પાડતા વનશક્તિ નામની સંસ્થાએ વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
‘પર્યાવરણની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય અયોગ્ય’
મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ અને કે.વિનોદ ચંદ્રનની બેંચે કેસની સુનાવણી હાથ ધરી ‘પર્યાવરણની મંજૂરી લેવામાંથી મુક્તિ’ને અયોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, ‘દરેક લોકો જાણે છે કે, આજના સમયમાં શિક્ષમ પણ એક ઉદ્યોગ છે. ભાવી પેઢી માટે કુદરતી સંસાધનો બચાવીને રાખવા જરૂરી છે, તેથી પર્યાવરણના નિયમોનું કડકાઈથી પાલન થવું જરૂરી છે.’ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે 20,000 ચોરસ મીટરથી વધુના બાંધકામ પ્રોજેક્ટ્સ, ભલે તે શૈક્ષણિક હેતુ માટે હોય, પર્યાવરણ પર અસર કરે જ છે. તેથી, આવા પ્રોજેક્ટ્સને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપી શકાય નહીં.
અગાઉ મંજૂરી લેવી પડતી હતી, પછી કેન્દ્ર સરકારે ફેરફાર કર્યા
વર્ષ 2006માં જારી કરાયેલ પર્યાવરણ પ્રભાવ આકલન (EIA) અધિસૂચના મુજબ, 20 હજાર વર્ગ મીટરથી વધુનું બાંધકામ કરતા પહેલા પર્યાવરણની મંજૂરી લેવી જરૂરી છે. જોકે કેન્દ્ર સરકારે જાન્યુઆરી-2025માં નવી અધિસૂચના જારી કરી હતી, જેમાં 2006ની અધિસૂચનાના ક્લૉજ 8 (a)માં એક નોંધ-1 જોડવામાં આવી છે. આ નોંધ મુજબ શાળા, કૉલેજ, હૉસ્ટેલ અને ઔદ્યોગિક શેડના બાંધકામને પર્યાવરણ મંજૂરીમાંથી મુક્તી આપવામાં આવી છે. તેમાં માત્ર એટલી શરત રાખવામાં આવી છે કે, બાંધકામ કરનારાઓએ ઘન અને પ્રવાહી કચરાનું સંચાલન, વરસાદી પાણીનો સંગ્રહ અને પર્યાવરણીય વ્યવસ્થાપનની જવાબદારી લેવાની રહેશે.
‘મંજૂરી આપવાનું કામ SEIAA પણ કરી શકે છે’
કેન્દ્ર સરકાર વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશના તમામ બાંધકામ પર નજર રાખવી અસંભવ છે.’ ત્યારબાદ કોર્ટે ભાટીની દલીલ પ સહમતી વ્યક્ત કરી કહ્યું કે, ‘જે બાંધકામ 2006ની અધિસૂચના દાયરામાં આવે છે, તેને મંજૂરી આપવાનું કામ રાજ્યની પર્યાવરણીય અસર મૂલ્યાંકન સત્તામંડળ (SEIAA) કરી શકે છે.’
આ પણ વાંચો : RSSના 100 વર્ષ... દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ