છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
Bijapur Encounter : છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર આડેધડ ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ વળતી કાર્યવાહી કરી એક નક્સલીને ઠાર કરી દીધો છે. હજુ પણ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ઠાર કરાયેલા નક્સલી પાસેથી અત્યાધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આખા વિસ્તારને પણ ઘેરી લેવાયો છે. બીજીતરફ ગુંજેપર્તી ગામમાં IED બ્લાસ્ટ થતાં એક યુવકને ઈજા થઈ છે.
એક નક્સલી ઠાર
અહેવાલ મુજબ સુરક્ષા દળોની ટીમને નક્સલવાદીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ટીમે ગંગાલૂર ગામમાં જઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ અચાનક આડેધડ ગોળીબાર કરી દીધો હતો. અધિકારીઓએ અથડામણમાં એક નક્સલી ઠાર થયો હોવાની પુષ્ટી કરી છે.
ઠાર નક્સલી પાસેથી અત્યાધુનિક હથિયાર મળી આવ્યા
બીજાપુર જિલ્લાના પશ્ચિમ ડિવિઝનમાં બંને તરફથી હજુ પણ ફાયરિંગ થઈ રહી છે. સુરક્ષા દળોએ એક પુરુષ નક્સલીનો મૃતદેહ કબજે કર્યો છે, તેની પાસેથી અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, હાલ ઓપરેશન ચાલી રહ્યું છે, તેથી અથડામણ સ્થળ, ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોની સંખ્યા તેમજ અન્ય સંવેદનશીલ માહિતી શેર ન કરી શકાય. સુરક્ષા દળોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે, તેથી આવી સંવેદનશીલ માહિતી અપાતી નથી. ઓપરેશન પૂર્ણ થયા બાદ તમામ વિગતો આપવામાં આવશે.
ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ, એકને ઈજા
અન્ય એક ઘટનામાં બિજાપુર જિલ્લાના ઈલમિડીના ગુંજેપર્તી ગામમાં આઈઈડી વિસ્ફોટ થતા એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. માહિતી મુજબ, ઈલમિડીનો રહેવાસી પ્રમોદ કકેમ ગુંજેપર્તીમાં સંબંધીના ઘરે આવ્યો હતો. આ દરમિયાન તે સ્નાન કરાવ માટે ગામ પાસેની એક નદી તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેનો પગ નક્સલીઓએ જમીનમાં દાટેલ આઈઈડી પર પડતા બ્લાસ્ટ થયો હતો. ઈજાગ્રસ્ત પ્રમોદને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.