ઉત્તરપ્રદેશના સંભલમાં એક મસ્જિદ અને 80 ઘરો પર બુલડોઝર ફેરવવાની તૈયારી, 15 દિવસની નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Demolition In Sambhal : ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટીતંત્રે ગેરકાયદે દબાણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ વધુ એક મસ્જિદ સહિત આશરે 80 ગેરકાયદે મકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ જિલ્લાની હાતિમ સરાય વિસ્તારમાં તળાવની જમીન પર અનેક ગેરકાયદે બાંધકામ છે, જેને દૂર કરવા માટે તંત્રએ મંગળવારે (7 ઓક્ટોબર) નોટિસ ફટકારી છે. આ પહેલા ગત અઠવાડિયે સરકારી જમીન પર બનેલી એક મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
15 દિવસમાં જવાબ નહીં આપે તો ગેરકાયદે બાંધકામ તોડી પડાશે
તાલુકા અધિકારી ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, ભૂમાફિયાઓએ તળાવની જમીન પર ગેરકાયદે પ્લોટ બનાવીને વેચી દીધા છે, જેથી તેઓને 15 દિવસની નોટિસ ફટકારાઈ છે. જો 15 દિવસમાં સંતોષકારક જવાબ અને જમીનના કાયદેસર દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે, તો મસ્જિદ સહિતના તમામ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવશે. આ કાર્યવાહી સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયા હેઠળ કરાશે.
આ પણ વાંચો : ‘તમારું સ્વાગત કરવા આતુર...’ PM મોદીએ પુતિન સાથે વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સર્વેક્ષણ દરમિયાન જવાબદાર વ્યક્તિઓ ગેરહાજર, નોટિસ ચોંટાડાઈ
હાતિમ સરાય વિસ્તારમાં આશરે 12-13 વર્ષ પહેલાં એક મોટી મસ્જિદ બનાવાઈ હતી. જ્યારે સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે મસ્જિદના પ્રબંધક કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર રહ્યા ન હતા, તેથી મસ્જિદ પર નોટિસ ચોંટાડવામાં આવી છે. આ ઉપરાંત 30-40 ગેરકાયદે પ્લોટ પર લાલ નિશાન કરાયા છે.
બૂઢ ગામમાં ગેરકાયદે એક મસ્જિદ, મેરેજ હોલ તોડી પડાયું હતું
ઉલ્લેખની છે કે, આ પહેલા સંભલ જિલ્લામાં ગેરકાયદે દબાણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ 2 ઓક્ટોબરે રાયા બૂઢ ગામમાં તળાવની જમીન પર બનેલી એક મસ્જિદ અને 30,000 ચોરસ ફૂટનું મેરેજ હોલ તોડી પડાયું હતું. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જોકે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.








