‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન

Ahmedabad Air India Plane Crash Accident Case : અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનાની તપાસ કરી રહેલી વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો(AAIB)ની કામગીરી પર સવાલો ઉઠ્યા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આજે (7 ઑક્ટોબર) મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
‘તપાસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે હેરાફેરી થઈ રહી નથી’
નાયડુએ ખાતરી આપી છે કે, ‘વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે હેરાફેરી થઈ રહી નથી. AAIB સત્ય અને નિયમો મુજબ તપાસ કરી રહી છે, તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે.’ તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે AAIBની તપાસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
‘AAIB પર કોઈ દબાણ કરાયું નથી’
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘વાસ્તવમાં શું થયું હતું તે જાણવા માટે દરેક વ્યક્તિએ AAIBના અંતિમ તપાસ રિપોર્ટની રાહ જોવી પડશે. તપાસમાં કોઈ હેરાફેરી કે કોઈ ગડબડી થઈ રહી નથી. સત્ય અને નિયમોને ધ્યાને લઈને તપાસ થઈ રહી છે. AAIB અંતિમ રિપોર્ટ પર પારદર્શક અને સ્વતંત્ર અભ્યાસ કરી રહ્યું છે અને તેમના પર ઉતાવળમાં રિપોર્ટ તૈયાર કરવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી.’
આ પણ વાંચો : UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ
પાયલટ ઍસોસિયેશનના આક્ષેપ કર્યા હતા
એરલાઇન પાયલટ્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (ALPA) દ્વારા AAIB પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે વિમાન દુર્ઘટના પરનો તેમનો પ્રારંભિક રિપોર્ટ ઉતાવળમાં અને દબાણ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.
અમદાવાદ વિમાન દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર-AI171 12 જૂને બીજે મેડિકલ કૉલેજ સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260 લોકોના મોત થયા હતા અને માત્ર એક જ મુસાફર જીવિત બચ્યો હતો. આ અકસ્માતમાં મેડિકલ કૉલેજના હોસ્ટેલના અને આસપાસના રહેવાસીઓના પણ મોત થયા હતા.