Get The App

ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત 1 - image
Image Source: IANS

Donald Trump Statement: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઇ છે. હવે આ દરમિયાન ભારત પ્રત્યે ટ્રમ્પના સૂર બદલાયા હોય તેવું જણાઇ રહ્યું છે. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ વાટાઘાટો ફરી શરૂ થઇ છે. બીજી તરફ મંગળવારે મોડી સાંજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા. બંને નેતાઓ વચ્ચે ભારત-અમેરિકા સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કર્યો ફોન

વડાપ્રધાન મોદીએ 'X' પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો અને લખ્યું કે, 'તમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વચ્ચેની વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તમારા પ્રયાસોને સમર્થન આપીએ છીએ.'

આ પણ વાંચો: ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે 7 કલાક સુધી ચાલી બેઠક, મહત્ત્વપૂર્ણ મુદ્દે થઈ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે: ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રૂથ' પર લખ્યું કે, મારા મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ એક સારો ફોન કોલ થયો. મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી! તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. નરેન્દ્ર: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સમર્થન બદલ આભાર! રાષ્ટ્રપ્રમુખ ડીજેટી


આ વખતે જન્મદિવસ પર મધ્યપ્રદેશમાં રહેશે વડાપ્રધાન

આ વર્ષે વડાપ્રધાન મોદી તેમના 75મા જન્મદિવસ નિમિત્તે બુધવારે મધ્યપ્રદેશમાં હશે. વડાપ્રધાન મોદી અહીં ધાર જિલ્લાના ભૈંસોલા ગામની મુલાકાત લેશે અને મહિલાઓ અને પરિવારો માટે આરોગ્ય અને પોષણ પર આધારિત અભિયાન શરૂ કરશે. આ સાથે તેઓ કાપડ ઉદ્યોગ માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. આ માર્કનો ઉદ્દેશ્ય દેશને કાપડનું કેન્દ્ર બનાવવાનો અને નિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર દેશભરમાં આવા સાત પીએમ મિત્ર પાર્ક બનાવી રહી છે.

આ પણ વાંચો: 'ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થતા નહોતી સ્વીકારી', પાકિસ્તાનની કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી

Tags :