Get The App

'ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થતા નહોતી સ્વીકારી', પાકિસ્તાનની કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
'ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થતા નહોતી સ્વીકારી', પાકિસ્તાનની કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી 1 - image


India Won't Accept Third-Party Mediation: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરાવી હોવાનો દાવો હવે પોકળ સાબિત થયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સ્વીકાર્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધ વિરામનો પ્રસ્તાવ અમેરિકાના માધ્યમથી આવ્યો હતો પરંતુ ભારત સહમત થયું ન હતું.

એક કાર્યક્રમ દરમિયાન ઈશાક ડારે જાહેરમાં સ્વીકાર્યું હતું કે, ભારત ક્યારેય પણ કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે સહમત થયું ન હતું. જ્યારે પાકિસ્તાને અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વિશે પૂછ્યું હતું, ત્યારે રુબિયોએ સ્પષ્ટપણે કહ્યું કે, ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે, આ એક દ્વિપક્ષીય મુદ્દો છે.

આ પણ વાંચોઃ ભારત સાથે તણાવભર્યા સંબંધો વચ્ચે પાકિસ્તાની PM અમેરિકા જશે, ટ્રમ્પ સાથે કરશે મુલાકાત

ભારત સાથે વાતચીત કરવા અનેકવાર પ્રયાસ કર્યો

ઈશાક ડારે જણાવ્યું કે, પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરવા અનેક વખત પહલ કરી હતી. 10 મેના રોજ સવારે 8:17 વાગ્યે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ તેમને કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્વતંત્ર સ્થળે વાતચીત થશે. પરંતુ પાછળથી 25 જુલાઈના રોજ, જ્યારે તેઓ વોશિંગ્ટનમાં રુબિયોને મળ્યા, ત્યારે તેમણે કહ્યું કે ભારતે ત્રીજા પક્ષની કોઈપણ ભૂમિકા સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે, તેને ફક્ત દ્વિપક્ષીય મામલો ગણાવ્યો છે.

પાકિસ્તાનને મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ...

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ત્રીજા પક્ષની મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે દ્વિપક્ષીય મામલો છે. અમે ત્રીજા પક્ષની સંડોવણીથી ખચકાટ અનુભવતા નથી, પરંતુ ભારત વારંવાર કહે છે કે તે દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે રુબિયો દ્વારા યુદ્ધવિરામનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે અમને ખાતરી આપવામાં આવી હતી કે ભારત સાથે વાતચીત થશે, પરંતુ પાછળથી એવું કહેવામાં આવ્યું કે ભારતે ના પાડી દીધી. અમને દ્વિપક્ષીય વાટાઘાટો સામે પણ કોઈ વાંધો નથી, પરંતુ વાટાઘાટો વ્યાપક હોવી જોઈએ. આતંકવાદ, વેપાર, અર્થતંત્ર, જમ્મુ અને કાશ્મીર, આપણે બંને જે વિષયો પર ચર્ચા કરી રહ્યા છીએ તેના પર વાતચીત થવી જોઈએ.

'ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થતા નહોતી સ્વીકારી', પાકિસ્તાનની કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી 2 - image

Tags :