ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે 7 કલાક સુધી ચાલી બેઠક, મહત્ત્વપૂર્ણ મુદ્દે થઈ વાતચીત
India-US Trade Deal: આજે(16 સપ્ટેમ્બર) ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર 7 કલાક સુધી બેઠક ચાલી હતી. બંને દેશો વચ્ચેની બેઠક સકારાત્મક રહી હતી અને ભવિષ્યમાં પણ ટેરિફ જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અમેરિકા તરફથી મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચ અને ભારત તરફથી અધિક સચિવ રાજેશ અગ્રવાલ હાજર રહ્યા હતા.
હકીકતમાં, યુએસ ટીમ વેપાર કરાર અંગે દિલ્હીમાં લાંબી વાતચીત કરી હતી. આ બેઠક એક દિવસીય બેઠક હતી. હવે યુએસ ટીમ પરત જશે. જોકે, આગામી બેઠક ટૂંક સમયમાં યોજાવાની છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં ટ્રેડ ડીલના વિવિધ પાસાઓ પર સકારાત્મક અને દૂરંદેશી ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વેપાર કરાર (BTA)ને ટૂંક સમયમાં પૂર્ણ કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતની માગ શું છે?
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર તણાવ ઘટાડવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. ત્યારે ભારત સતત ટેરિફનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. શક્ય છે કે ટેરિફ પર પણ બેઠક દરમિયાન ચર્ચા થઈ હોત. આ ઉપરાંત ભારત અમેરિકામાં તેના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અંગે પણ ચર્ચા કરી શકે છે.
અમેરિકા શું ઇચ્છે છે?
આ બેઠકમાં અમેરિકાએ પોતાનો દૃષ્ટિકોણ પણ રજૂ કર્યો હશે, જેમાં ભારતીય બજારમાં કૃષિ અને ડેરી ક્ષેત્ર માટે ખુલ્લા પ્રવેશની માંગણી સામેલ હોઈ શકે છે. અમેરિકા ભારતમાં તેના ડેરી અને કૃષિ ઉત્પાદનો વેચવા માગે છે, જેના માટે તે ભારત પર દબાણ વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા માટે આ મુદ્દા પર ચર્ચા કરવી સ્વાભાવિક છે.
નોંધનીય છે કે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના મુખ્ય વાટાઘાટકાર, શ્રી બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસના અધિકારીઓની એક ટીમ 16 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભારત આવી હતી. તેમણે વાણિજ્ય વિભાગના વિશેષ સચિવના નેતૃત્વમાં વાણિજ્ય વિભાગના અધિકારીઓ સાથે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર સહિત ભારત-અમેરિકા વેપાર સંબંધો પર ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: ભારત સાથે તણાવભર્યા સંબંધો વચ્ચે પાકિસ્તાની PM અમેરિકા જશે, ટ્રમ્પ સાથે કરશે મુલાકાત
ટ્રમ્પે મોદીને નજીકના મિત્ર ગણાવ્યા હતા
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ટેરિફને લઈને તણાવ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું અને પીએમ મોદીને પોતાના નજીકના મિત્ર ગણાવ્યા હતા અને તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેના જવાબમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'હું પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા આતુર છું.'