US-India trade negotiations : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકાએ અત્યંત મહત્ત્વનું અને કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઑફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતને ચીન જેવી આર્થિક રાહતો આપવામાં આવશે નહીં.
ચીન એક પાઠ હતો, ભૂલ નહીં
રાયસીના ડાયલોગ દરમિયાન લેન્ડોએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલા ચીનને જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા, તેનાથી ચીન એક પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવ્યું છે. "અમે ભારત સાથે કામ કરીને તેની 'અસીમિત ક્ષમતા'ને અનલોક કરવા માંગીએ છીએ, પરંતુ ભારતે સમજવું જોઈએ કે અમે ભારત સાથે એવી ભૂલો નહીં કરીએ જે અમે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી."
વેપાર અને ટૅરિફ પર શું છે સ્થિતિ?
અમેરિકા અત્યારે ભારત સાથેના વેપાર કરારોમાં વધુ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત સાથેની અનેક મંત્રણાઓ બાદ ભારતીય સામાન પરના ટૅરિફ 50%થી ઘટાડીને 18% કર્યા છે. નવી દિલ્હી અત્યારે એવા વૈશ્વિક વાતાવરણમાં કામ કરી રહ્યું છે. જ્યાં અમેરિકા ટૅરિફનો ઉપયોગ ભૂ-રાજકીય મંત્રણાઓમાં લિવરેજ તરીકે કરી રહ્યું છે. ભારત કોઈપણ એક બજાર પર નિર્ભર રહેવાને બદલે યુરોપિયન યુનિયન અને અન્ય દેશો સાથે પણ વેપાર સોદા કરી રહ્યું છે.
એનર્જી સેક્ટરમાં મદદની ઓફર
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતની ઊર્જા સુરક્ષા જોખમમાં છે. આ તણાવ વચ્ચે લેન્ડોએ ભારતની ટૂંકા અને લાંબા ગાળાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે અમેરિકાના સમર્થનની ઓફર કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી બંને માટે 'વિન-વિન' (બંને પક્ષે ફાયદાકારક) સાબિત થશે.
ભારતનું વલણ
ઈરાન-ઈઝરાયેલ કે મધ્ય પૂર્વના સંઘર્ષમાં ભારતે હજુ સુધી કોઈ પક્ષ લીધો નથી અને તે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા સાથે વેપાર મંત્રણાઓને આગળ વધારી રહ્યું છે. જો કે અમેરિકા દ્વારા સતત ભારત પર જે પ્રકારે હુમલા થઈ રહ્યા છે તે અસહ્ય જ લેખી શકાય. તેમ છતાં ભાજપ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે ટિપ્પણીથી બચી રહ્યું છે.


