Get The App

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો...

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો... 1 - image

Pension Scheme : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS)ના ગ્રાહકોને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)નો વિકલ્પ પસંદ કરવા માટે 30 નવેમ્બર-2025 સુધીમાં અરજી જમા કરાવવાનું યાદ અપાવ્યું છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, આ વિકલ્પ પસંદ કરવાની આ અંતિમ સમયમર્યાદા છે, ત્યારબાદ નવી યોજનાનો લાભ ઉઠાવવાની તક સમાપ્ત થઈ જશે.

UPSની વિશેષતાઓ 

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને UPSનો લાભ મળશે. જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે. આ સેવાનો લાભ લેવા કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપેલી હોવી જરૂરી છે. તેમજ સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાહતનો લાભ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીના પેન્શનના 60% હિસ્સો મળશે. વધુમાં જે કર્મચારીએ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેને ઓછામાં ઓછુ મહિને રૂ. 10,000 સુધીનું પેન્શન મળશે.

આ કર્મચારીઓને મળશે લાભ

NPS હેઠળ આવરી લેવા કેન્દ્રીય કર્મચારીઓ માટે 25 જાન્યુઆરી-2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં NPS હેઠળના તમામ સરકારી કર્મચારીઓને UPS વિકલ્પ પસંદ કરવાની તક અપાઈ છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, UPS પસંદ કરનારા લોકોને અન્ય પોલિસીના લાભો, નાણાકીય લાભો મળશે નહીં.

મોંઘવારીના આધારે પેન્શન વધશે

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ ઇન્ડેક્સેશન પણ ઉમેરવામાં આવ્યું છે. મતલબ કે નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન મોંઘવારી પ્રમાણે વધતું રહેશે. આ વધારો મોંઘવારી ભથ્થાના રૂપમાં પેન્શનમાં ઉમેરવામાં આવશે. આની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-W)ના આધારે કરવામાં આવશે. નિવૃત્તિ પર એક સામટી રકમ પણ આપવામાં આવશે.

નેશનલ પેન્શન સ્કીમ (NPS) શું છે?

જૂની પેન્શન સ્કીમ (OPS) બંધ કર્યા બાદ સરકારે 2004માં તમામ સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ (NPS) શરૂ કરી હતી. NPSમાં એકાઉન્ટ પોર્ટેબલ છે એટલે કે તેને દેશમાં ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે. સરકારે તેને 2009માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખોલ્યું હતું. હવે આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને પણ UPS પર સ્વિચ કરવાની સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો : ‘...તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર

UPS અને NPS વચ્ચે શું છે તફાવત?

UPS હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે, જે તેમની નિવૃત્તિ પહેલાના 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% હશે. જયારે NPSમાં પેન્શનની રકમ માર્કેટના રિટર્ન પર આધારિત હતી, જેના કારણે તે વધઘટ થતી રહે છે.

- સરકારી કર્મચારીઓએ UPS અને NPS બંનેમાં તેમના પગારના 10% યોગદાન આપવું પડશે. જયારે સરકાર NPSમાં 14% અને UPSમાં 18.5% યોગદાન આપશે. 

- UPS હેઠળ, 25 વર્ષની સેવા પછી, કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે. મોંઘવારી દર પ્રમાણે પેન્શન પણ વધશે. જ્યારે NPSમાં કોઈ નિશ્ચિત પેન્શન નથી.

કર્મચારીઓ કેવી રીતે અરજી કરી શકે?

ઇચ્છુક કર્મચારીઓ બે રીતે અરજી કરી શકે છે. કર્મચારીઓ સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી (CRA) સિસ્ટમ દ્વારા ઓનલાઇન અરજી દાખલ કરી શકે છે. આ ઉપરાંત કર્મચારીઓ તેમના સંબંધિત નોડલ ઓફિસમાં ભરેલા ફોર્મ જમા કરાવીને ઓફલાઇન અરજી કરી શકે છે. સરકારે તમામ નોડલ ઓફિસોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ અરજીઓનો સમયસર નિકાલ લાવે.

આ પણ વાંચો : ‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી