‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

Supreme Court On Custodial Death : સુપ્રીમ કોર્ટે પોલીસ કસ્ટડીમાં થતી હિંસા અને મૃત્યુ અંગે અત્યંત કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ઘટનાઓ આપણી સમગ્ર સિસ્ટમ પર એક મોટું કલંક છે અને દેશ હવે કોઈપણ ભોગે આવી ઘટના સહન કરશે નહીં.
રાજસ્થાનમાં 8 મહિનામાં કસ્ટડીમાં 11ના મોત
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે દેશભરના પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા યોગ્ય રીતે કાર્યરત ન હોવાના મામલે સુનાવણી હાથ ધરી છે. આ દરમિયાન કોર્ટે રાજસ્થાનમાં છેલ્લા આઠ મહિનામાં થયેલા 11 કસ્ટડીયલ મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘કસ્ટડીમાં મૃત્યુ ન થઈ શકે. દેશ હવે આવી ઘટનાઓને સહન નહીં કરે. આ સિસ્ટમ પર કલંક છે.’
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી
કેન્દ્ર સરકારે અગાઉના આદેશોના પાલનનો રિપોર્ટ દાખલ ન કરતાં સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર કોર્ટને હળવાશથી કેમ લઈ રહી છે ?’ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વીકાર્યું કે, ‘કસ્ટડીમાં મોતને કોઈ પણ વ્યક્તિ યોગ્ય ઠેરવી શકે નહીં.’ દલીલ બાદ કેન્દ્ર સરકારે ત્રણ અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો : ‘...તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર
CCTV લગાવવાના આદેશોનું ધીમું પાલન
સુપ્રીમ કોર્ટે 2018 અને 2020માં તમામ પોલીસ સ્ટેશનો અને CBI, ED, NIA જેવી કેન્દ્રીય એજન્સીઓની ઑફિસોમાં ફુલ કવરેજવાળા CCTV કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમ લગાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કોર્ટને ધ્યાને આવ્યું છે કે, અત્યાર સુધી માત્ર 11 રાજ્યોએ જ તેમના રિપોર્ટ દાખલ કર્યા છે. ઘણા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રના અનેક વિભાગોએ કોઈ માહિતી આપી નથી.
કોર્ટની કડક ચેતવણી
કોર્ટે આદેશ આપ્યો કે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હજી સુધી રિપોર્ટ આપી શક્યા નથી, તેમણે ત્રણ અઠવાડિયાની અંદર ફરજિયાત રિપોર્ટ આપવો પડશે. જો રિપોર્ટ રજૂ નહીં કરવામાં આવે તો રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના ગૃહ વિભાગના મુખ્ય સચિવને કોર્ટમાં હાજર થવું પડશે. કેન્દ્રીય એજન્સીઓના કિસ્સામાં, જો પાલન નહીં થાય તો તેમના ડિરેક્ટરને બોલાવાશે. કોર્ટે આ સમગ્ર મામલાની વધુ સુનાવણી માટે 16 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે, ત્યાં સુધીમાં તમામે રિપોર્ટ જમા કરાવવા પડશે.
આ પણ વાંચો : ‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ

