પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થિનીઓના આંતરવસ્ત્રો ઉતરાવાતા હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ખાનગી મહિલા બાઉન્સર પરીક્ષાર્થીઓનાં અંગોને સ્પર્શી
- હાવડા જિલ્લામાં સાઇકરાલ સરકારી સ્કૂલમાં ડીએલએડની પરીક્ષા દરમિયાન બનાવ બન્યો
કોલકાતા : બંગાળના હાવડા જિલ્લામાં સાંકરાઇલ સ્થિત સરકારી સ્કૂલમાં ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (ડીએલએડ)ની પરીક્ષા દરમિયાન મહિલા પરીક્ષાર્થીઓના કપડા ઉતરાવીને તપાસ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે.
પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તપાસના નામે કેટલીક મહિલા બાઉન્સરોએ યુવતીઓના આંતરવસ્ત્રોને ઉતરાવ્યા હતા અને તેમના અંગોને સ્પર્શ કર્યો હતો. પરીક્ષાર્થીઓની લેખિત પરીક્ષા પછી સાંઇકરાલના પોલીસ સ્ટેશને તેની તપાસ શરુ કરી છે. આ બનાવ આઠથી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી પરીક્ષામાં બન્યો હોવાનો આરોપ છે.
પરીક્ષા આપવા પહોંચેલી કેટલીય વિદ્યાર્થીનીઓએ અને યુવતીઓએ ફરિયાદ કરી છે કે પરીક્ષા પહેલા ખાનગી એજન્સીની મહિલા બાઉન્સરોએ નકલ રોકવાના નામે તેમની તલાશી લીધી હતી. તેમનો આરોપ છે કે તેમના કપડા અને આંતરવસ્ત્રો સુદ્ધા ઉતરાવવામાં આવ્યા હતા. એક મહિલા પરીક્ષાર્થીએ તે પણ આરોપ લગાવ્યો છે કે વિરોધ કરવા બદલ તેમના આંતરવસ્ત્ર ઉતરાવડાવીને વિડીયો સુદ્ધા બનાવડાવવામાં આવ્યો.
કેટલાય દિવસોથી આ પ્રકારની ચકાસણીથી પરેશાન વિદ્યાર્થીનીઓએ શુક્રવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. ફરિયાદ મળતા જ પોલીસ અધિકારી સ્કૂલમાં પહોંચ્યા અને પરીક્ષાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત કરી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મામલાની તપાસ શરુ કરી દેવાઈ છે.




