Avimukteshwaranand Magh Controversy : ઉત્તર પ્રદેશમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના માઘ મેળામાં પ્રવેશને લઈને ચાલી રહેલો વિવાદ હવે રાજ્યના રાજકારણમાં પહોંચી ગયો છે. પ્રયાગરાજમાં માઘ મેળામાં મૌની અમાસના દિવસે અવિમુક્તેશ્વરાનંદ અને મેળાના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ તેમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. એટલું જ વિવાદ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાક્ષણ 'કાલનેમી'નો ઉલ્લેખ કરીને નિવેદન આપ્યું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શંકરાચાર્યને પૂજ્ય સંત કહીને ચરણ સ્પર્શ કરવાની વાત કહી છે. હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આ વિરોધાભાષી નિવેદન સામે આવ્યા બાદ ભાજપના આંતરિક ડખો ઉભો થયો હોવાની નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
યોગીનું 'કાલનેમી' નિવેદન : કોની તરફ હતો ઈશારો?
મુખ્યમંત્રી યોગી (Uttar Pradesh CM Yogi Adityanath)એ શંકરાચાર્યના વિવાદ બાદ રામચરિતમાનસનું પાત્ર 'કાલનેમી'નો ઉલ્લેખ કર્યો હતો. પૌરાણિક કથાઓમાં 'કાલનેમી' તે રાક્ષણ હતો, જેણે સાધુનો વેશ ધારણ કરીને હનુમાનજીનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. સીએમ યોગી માઘ મેળાને યજ્ઞ સમાન માને છે.
યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ‘એક યોગી, સંત અને સન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી મોટું કોઈ હોતું નથી. તેમની કોઈ વ્યક્તિગત સંપત્તિ હોતી નથી. તેમના માટે ધર્મ જ સંપત્તિ હોય છે અને રાષ્ટ્ર સ્વાભિમાન હોય છે.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘કેટલાક કાલનેમી ધર્મના નામે સનાતન ધર્મને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે, આવી સ્થિતિમાં લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.’
હવે યોગીના આ નિવેદનને એ સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે કે, જે કોઈ પણ આ આયોજનમાં અવરોધ ઊભો કરે છે, તે 'કાલનેમિ' જેવો છે.
ચર્ચા મુજબ, કેટલાક લોકો યોગીના આ નિવેદનને વિપક્ષ પર હુમલો માની રહ્યા છે. જોકે તેમણે વિવાદ સમયે આ નિવેદન કર્યું છે, તેથી તેને શંકરાચાર્યના મામલા સાથે જોડી રહ્યા છે. તંત્ર અને મુખ્યમંત્રી, બંને આ વિવાદ મુદ્દે પોતાનું કડક વલણ દાખવી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીનું ‘સૉફ્ટ સ્ટેન્ડ’
મુખ્યમંત્રીના કડકણ વલણથી વિપરીત નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya)એ શંકરાચાર્યને પૂજ્ય સંત ગણાવ્યા છે અને કહ્યું છે કે, તેમની સાથે જે થયું, સરકાર તેની તપાસ કરાવશે. મૌર્યના નિવેદનમાં શંકરાચાર્યનું સન્માન કરવાની સાથે તેમના ચરણમાં પ્રણામનો પણ ઉલ્લેખ કરાયો છે. હવે મૌર્યના નિવેદનને મુખ્યમંત્રીના નિવેદનથી વિરોધાભાષી માનવામાં આવી રહ્યું છે. આ બંને નિવેદનો સામે આવ્યા બાદ ચર્ચા થઈ રહી છે કે, શું ભાજપમાં બે ફાંટા પડી ગયા છે? શું ભાજપમાં આંતરિક ડખો ચાલી રહ્યો?
વિરોધાભાષી નિવેદનથી રાજ્યના રાજકારણમાં ગરમાવો
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ માત્ર મતભેદ નથી, પરંતુ ભાજપ અને સંઘ પરિવારની 'ટ્રેક-2 ડિપ્લોમેસી' હોઈ શકે છે. કેશવ પ્રસાદ મૌર્ય વિશ્વ હિન્દુ પરિષદની પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને સાધુ-સંતો વચ્ચે તેમની ઊંડી પકડ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે પ્રશાસન અને મુખ્યમંત્રી નમવા તૈયાર નથી, ત્યારે મૌર્ય દ્વારા સંતોના રોષને શાંત કરવા અને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ વિરોધાભાષી સ્થિતિને લઈને વિપક્ષ અને રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે, શું ઉત્તર પ્રદેશ સરકારના બે એન્જિન પરસ્પર ટકરાવા લાગ્યા છે. એકતરફ તંત્રએ શંકરાચાર્યના શિબિર પર નોટિસ ફટકારીને કડક વલણ અપનાવ્યું છે, તો બીજીતરફ સરકારના બીજા સૌથી મોટા પદ પર બેઠેલી વ્યક્તિનું આ સહાનુભૂતિભર્યું નિવેદન શું કોઈ મોટા સંઘર્ષ કે ટકરાવ તરફ ઈશારો કરી રહ્યું છે? શું આ કેશવ મૌર્યએ સ્વતંત્ર નિવેદન આપ્યું છે કે પછી સંઘ પરિવારનું સમજદારીપૂર્વકની રણનીતિ છે, તે તો આગામી સમયમાં જ સામે આવશે. પરંતુ હાલ શંકરાચાર્યના ધરણા અને સરકારના નિવેદનના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
શું હતો વિવાદ ?
રવિવારે (18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સ્થિતિ એવી વણસી હતી કે, અવિમુક્તેશ્વરાનંદે મેળા અને સ્થાનિક તંત્ર વિરુદ્ધ દેખાવ કરવાની સાથે ધરણા કર્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રયાગરાજ મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી હતી, જેને લઈને સંત સમાજ નારાજ થયો છે.
અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મુદ્દે રામભદ્રાચાર્યએ નિયમ યાદ કરાવ્યો હતો
વિવાદ બાદ આ મુદ્દે જગદગુરુ રામભદ્રાચાર્ય (Rambhadracharya)એ પણ 21 જાન્યુઆરીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અવિમુક્તેશ્વરાનંદને મળેલી નોટિસ યોગ્ય છે. તેમની સાથે કોઈએ અન્યાય કર્યો નથી, પરંતુ તેમણે જ અન્યાય કર્યો છે. નિયમ છે કે, રથ પર ગંગા ઘાટ સુધી ન જવાય. પોલીસે તેમને રોક્યા હતા. અમે પણ સંગમ સુધી પગપાળા જઈએ છીએ. ઉત્તર પ્રદેશ સરકારે અવિમુક્તેશ્વરાનંદને પાઠવેલી નોટિસ બિલકુલ યોગ્ય છે.’
વિવાદ અંગે કોણે શું કહ્યું ?
કથાવાચક અનિરુદ્ધાચાર્યએ તંત્ર પર ગંભીર સવાલ ઉઠાવીને કહ્યું છે કે, તંત્રએ ભુલ કરી છે, ચોટલી પકડીને અપમાન કર્યું છે. બ્રાહ્મણો અને સાધુઓની માફી માંગી લેવાથી તંત્રને શું વાંધો છે. માફી માગવી કોઈ ખોટી બાબત નથી. શું બંધારણ એવો અધિકાર આપે છે કે, કોઈના વાળ પકડીને અપમાન કરવામાં આવે.
કથાવાચક દેવકી નંદન ઠાકુરે બંને પક્ષોને સમાન ગણીને કહ્યું છે કે, ઘટના મામલે સંયમ રાખવાની જરૂર હતી. ભગવા ધારણ સંત સાથે મારપીટ કરવી યોગ્ય વાત નથી. વિવાદ વધારવાના બદલે પરસ્પર તાલમેલથી ઉકેલવો જોઈએ.
વૃંદાવનના સંત ફલાહારી બાબાએ આક્ષેપ કર્યો છે કે, કેટલાક અધિકારીઓ યોગી સરકારને બદનામ કરવા માગે છે અને તેઓએ શંકરાચાર્યનું અપમાન કર્યું છે.
સ્વામી અતુલ કૃષ્ણ દાસ મહારાજે અવિમુક્તેશ્વરાનંદના વિવાદ મામલે કહ્યું છે કે, દોષીત અધિકારીઓની તપાસ થવી જોઈએ અને તે અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
મહામંડલેશ્વર રામદાસ મહારાજે કહ્યું કે, શંકરાચાર્યની પીઠ ભગવાન શિવની ગાદી માનવામાં આવે છે અને તેનું અપમાન કરવું પાપ સમાન છે. તેમણે મુખ્યમંત્રી યોગી સમક્ષ માંગ કરી છે કે, દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
યોગગુરુ સ્વામી બાબા રામદેવે કહ્યું છે કે, ‘ધાર્મિક સ્થળો પર એજન્ડો અથવા અહંકાર લઈને ન જવું જોઈએ. કોઈપણ શંકરાચાર્ય કે સાધુઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અથવા ખરાબ વ્યવહાર અસ્વિકાર્ય છે. તેમણે એવું પણ કહ્યું કે, સાધુનો અર્થ જ અહંકાર ત્યાગ કરવાનો છે. પરસ્પર લડવાથી સનાતન નબળો પડે છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જગદગુરુ શંકરાચાર્યનું અપમાન થતા તમામ સનાતનીઓને દુઃખ પહોંચ્યું છે. ભાજપ અને તેમના સાથી પક્ષો સનાતન પરંપરાને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્નાન કરે અને આ વિવાદને અહીં જ સમાપ્ત કરી દે.
સમાજપાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું કે, શંકરાચાર્યનું સન્માન કરવામાં આવ્યું નથી, તેનો અર્થ તમામ સંતોનું અપમાન છે.


