Get The App

શંકરાચાર્ય VS યુપી સરકારના વિવાદમાં અન્ય સાધુ-કથાવાચકોની પણ એન્ટ્રી, જુઓ કોણે શું કહ્યું

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
શંકરાચાર્ય VS યુપી સરકારના વિવાદમાં અન્ય સાધુ-કથાવાચકોની પણ એન્ટ્રી, જુઓ કોણે શું કહ્યું 1 - image


Avimukteshwaranand Magh Controversy : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળામાં મૌની અમાસના દિવસે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળાના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટના બાદ દેશભરના સાધુ-સંતો અને રાજકીય લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક સંતો તેમનું જાહેરમાં સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક સંતોએ પરસ્પર સમજદારી રાખીને મામલો ઉકેલવાની વાત કહી છે.

અવિમુક્તેશ્વરાનંદેને નોટિસ પાઠવવામાં આવતા સંત સમાજ નારાજ

રવિવારે (18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સ્થિતિ એવી વણસી હતી કે, અવિમુક્તેશ્વરાનંદે મેળા અને સ્થાનિક તંત્ર વિરુદ્ધ દેખાવ કરવાની સાથે ધરણા કર્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રયાગરાજ મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી હતી, જેને લઈને સંત સમાજ નારાજ થયો છે.

વિવાદ મુદ્દે સંત-મહંતો અને રાજકીય નેતાઓએ આપી પ્રતિક્રિયા

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સાથે બનેલી ઘટનાને લઈને પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ, મહામંડલેશ્વર રામદાસ મહારાજ, યોગગુરુ સ્વામી રામદેવ, સ્વામી અતુલ કૃષ્ણ દાસ મહારાજ, કથાવાચક અનિરુદ્ધાચાર્ય, કથાવાચક દેવકી નંદન ઠાકુર અને વૃંદાવનના સંત ફલાહારી બાબાએ પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને સપા નેતા શિવપાલ યાદવે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ શું કહ્યું ?

વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, ‘એક યોગી, સંત અને સન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી મોટું કોઈ હોતું નથી. તેમની કોઈ વ્યક્તિગત સંપત્તિ હોતી નથી. તેમના માટે ધર્મ જ સંપત્તિ હોય છે અને રાષ્ટ્ર સ્વાભિમાન હોય છે.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘કેટલાક કપટી પ્રવૃત્તિઓ કરતા લોકો ધર્મના નામે સનાતન ધર્મને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે, આવી સ્થિતિમાં લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.’

આ પણ વાંચો : ભારત-યુરોપીય સંઘ વચ્ચે થશે ઐતિહાસિક ડીલ, ટ્રમ્પને લાગશે ઝટકો

વિવાદ અંગે કોણે શું કહ્યું ?

કથાવાચક અનિરુદ્ધાચાર્યએ તંત્ર પર ગંભીર સવાલ ઉઠાવીને કહ્યું છે કે, તંત્રએ ભુલ કરી છે, ચોટલી પકડીને અપમાન કર્યું છે. બ્રાહ્મણો અને સાધુઓની માફી માંગી લેવાથી તંત્રને શું વાંધો છે. માફી માગવી કોઈ ખોટી બાબત નથી. શું બંધારણ એવો અધિકાર આપે છે કે, કોઈના વાળ પકડીને અપમાન કરવામાં આવે.

કથાવાચક દેવકી નંદન ઠાકુરે બંને પક્ષોને સમાન ગણીને કહ્યું છે કે, ઘટના મામલે સંયમ રાખવાની જરૂર હતી. ભગવા ધારણ સંત સાથે મારપીટ કરવી યોગ્ય વાત નથી. વિવાદ વધારવાના બદલે પરસ્પર તાલમેલથી ઉકેલવો જોઈએ.

વૃંદાવનના સંત ફલાહારી બાબાએ આક્ષેપ કર્યો છે કે, કેટલાક અધિકારીઓ યોગી સરકારને બદનામ કરવા માગે છે અને તેઓએ શંકરાચાર્યનું અપમાન કર્યું છે.

સ્વામી અતુલ કૃષ્ણ દાસ મહારાજે અવિમુક્તેશ્વરાનંદના વિવાદ મામલે કહ્યું છે કે, દોષીત અધિકારીઓની તપાસ થવી જોઈએ અને તે અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

મહામંડલેશ્વર રામદાસ મહારાજે કહ્યું કે, શંકરાચાર્યની પીઠ ભગવાન શિવની ગાદી માનવામાં આવે છે અને તેનું અપમાન કરવું પાપ સમાન છે. તેમણે મુખ્યમંત્રી યોગી સમક્ષ માંગ કરી છે કે, દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

યોગગુરુ સ્વામી બાબા રામદેવે કહ્યું છે કે, ‘ધાર્મિક સ્થળો પર એજન્ડો અથવા અહંકાર લઈને ન જવું જોઈએ. કોઈપણ શંકરાચાર્ય કે સાધુઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અથવા ખરાબ વ્યવહાર અસ્વિકાર્ય છે. તેમણે એવું પણ કહ્યું કે, સાધુનો અર્થ જ અહંકાર ત્યાગ કરવાનો છે. પરસ્પર લડવાથી સનાતન નબળો પડે છે.

પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે નાગપુરમાં એક ધર્મસભામાં સંબોધન કરતી વખતે પ્રયાગરાજની ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરી છે.

અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં સંત સમાજ

આ ઉપરાંત મથુરાના વૃંદાવનમાં વ્રજભૂમિના સંત સમાજે માંગ કરી છે કે, ‘શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું સન્માનપૂર્વક ફરી ગંગા સ્નાન કરાવવામાં આવે. સંતોનું કહેવું છે કે, જે ઘટના બની, તે માટે અધિકારી જવાબદાર છે. ભારત સાધુ સમાજ અને અખંડ પરશુરામ અખાડેએ હરિદ્વારની હર કી પૌડી પર એક કલાક સુધી ધરણા કર્યા છે. અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષે ચેતવણી આપી છે કે, તંત્ર માંફી નહીં માંગે તો તેઓ પોતાની ચોટલી કાપવા સુધીના પગલા ભરશે.

આ પણ વાંચો : ભારતે વિકસાવી ઘાતક મિસાઈલ, જુઓ તેની તાકાત

રાજકીય નેતાઓએ પણ આપી પ્રતિક્રિયા

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જગદગુરુ શંકરાચાર્યનું અપમાન થતા તમામ સનાતનીઓને દુઃખ પહોંચ્યું છે. ભાજપ અને તેમના સાથી પક્ષો સનાતન પરંપરાને નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્નાન કરે અને આ વિવાદને અહીં જ સમાપ્ત કરી દે.

સમાજપાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું કે, શંકરાચાર્યનું સન્માન કરવામાં આવ્યું નથી, તેનો અર્થ તમામ સંતોનું અપમાન છે.