Rambhadracharya reaction on Magh Controversy : માઘ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ વકરેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. માઘ મેળા ઑથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે કે, સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં તમે પોતાના નામની આગળ 'શંકરાચાર્ય' કેમ લગાવ્યું છે? ત્યારે હવે આ મામલે જગદગુરુ રામભદ્રાચાર્યએ પ્રતિક્રિયા આપી છે.
અવિમુક્તેશ્વરાનંદને અન્યાય કર્યો : રામભદ્રાચાર્ય
જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, ‘અવિમુક્તેશ્વરાનંદને મળેલી નોટિસ યોગ્ય છે. તેમની સાથે કોઈએ અન્યાય કર્યો નથી, પરંતુ તેમણે જ અન્યાય કર્યો છે. નિયમ છે કે, રથ પર ગંગા ઘાટ સુધી ન જવાય. પોલીસે તેમને રોક્યા હતા. અમે પણ સંગમ સુધી પગપાળા જઈએ છીએ. ઉત્તર પ્રદેશ સરકારે અવિમુક્તેશ્વરાનંદને પાઠવેલી નોટિસ બિલકુલ યોગ્ય છે.’
આ પણ વાંચો : પાલઘર સ્થિત વસઈના દરિયામાં રહસ્યમય ઘટના, જુઓ VIDEO
શું છે સમગ્ર વિવાદ?
રવિવારે (18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. આનો તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ ગયા.
અવિમુક્તેશ્વરાનંદને પઠવાયેલી નોટિસમાં શું કહેવાયું?
આ તમામ વિવાદ ઊભો થયા બાદ માઘ મેળા ઑથોરિટીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો કે, સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં તમે પોતાના નામની આગળ 'શંકરાચાર્ય' કેમ લગાવ્યું છે? મેળા ઑથોરિટીએ પોતાની નોટિસમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સિવિલ અપીલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સંદર્ભમાં હજુ સુધી કોઈ આદેશ પસાર કરવામાં નથી આવ્યો, આવી સ્થિતિમાં કોઈપણ ધર્માચાર્ય જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેકિત ન થઈ શકે. તેમ છતાં તેના સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મેળા વિસ્તારમાં લાગેલા તેમના શિબિરના બોર્ડ પર તેમના નામની આગળ ‘શંકરાચાર્ય’ લખ્યું છે.
આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી થવાનું જોખમ વધ્યું, જાણો ICCએ શું કહ્યું


