Uttar Pradesh Politics News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મણિકર્ણિકા ઘાટ વિવાદ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કાશીને બદનામ કરવા માટે તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો છે. આ પહેલા વારાણસીના મુલાકાતે પહોંચેલા યોગીએ વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ ધામ પહોંચીને ભગવાન કાશી વિશ્વનાથની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ કાળ ભૈરવ મંદિર પહોંચીને આરાધના કરી હતી.
ધામના નિર્માણ માટે કોઈ મંદિર તોડવામાં આવ્યું નથી : યોગી આદિત્યનાથ
કાશી વિશ્વનાથ ધામ અને મણિકર્ણિકા ઘાટ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh CM Yogi Adityanath) વિપક્ષ અને વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘કેટલાક તત્ત્વો કાશીના ભવ્ય વારસાને બદનામ કરવા અને તેનું અપમાન કરવા માટે સતત નકારાત્મકતા ફેલાવી રહ્યા છે. જ્યારે કાશી વિશ્વનાથ ધામનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ તૂટેલી મૂર્તિઓના આધારે ભ્રમ પેદા કરવાનું ષડયંત્ર રચાયું હતું. ધામના નિર્માણ માટે કોઈ મંદિર તોડવામાં આવ્યું નથી, પરંતુ જર્જરિત મંદિરોને નવજીવન આપીને તેનું મૂળ સ્વરૂપ જાળવી રાખવામાં આવ્યું છે. આજે આ શિવ મંદિરો કાશીની શાન વધારી રહ્યા છે અને બદનામ કરનારાઓના તમામ દાવાઓ પાયાવિહોણા સાબિત થયા છે.’
‘કેટલાક લોકો દ્વારા કાશીને બદનામ કરવાના પ્રયાસ’
યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીનું પ્રતનિધિત્વ કરે છે, જેના કારણે છેલ્લા 11 વર્ષમાં કાશીનો વિકાસ થયો છે. કાશીના વિકાસ માટે અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. કાશીમાં નવી નવી સંસ્થાઓ ખૂલી રહી છે. કેટલાક લોકો કાશીના વારસાને બદનામ કરવા માટે સતત ષડયંત્ર રચે છે. વર્તમાન સમયમાં કાશી આવનારાઓમાં કોઈપણ પ્રકારનો ડર નથી. આજે કાશીમાં કોઈની પણ સાથે ભેદભાવ થતો નથી.’ વારાણસી સ્થિત મણિકર્ણિકા ઘાટમાં ચાલી રહેલા પ્રોજેક્ટ વચ્ચે યોગી આદિત્યનાથની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની મનાય છે.
2014 પહેલા કાશીની સ્થિતિ ખરાબ હતી : ઉત્તર પ્રદેશના CM
તેમણે કહ્યું કે, ‘2014 પહેલા કાશી ઘાટની સ્થિતિ ખરાબ હતી. આજે દેશનું સૌથી મોટું નમો ઘાટ કાશીમાં આવેલું છે. કાશીમાં કાશી વિશ્વનાથ ધામમાં ગંગાજળનું પાણી સ્નાન કરવા લાયક ન હતું, આજે તમે કાશીમાં સ્નાન કરી શકો છો. આજે કાશીના તમામ રસ્તાઓ ફોરલેન સાથે જોડાયેલા છે, ટ્રાફિક પણ થતો નથી. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાંથી કાશી સુધી ટ્રેન સેવા પણ ઉપલબ્ધ છે.’
‘કાશીમાં રોજગારીની નવી નવી તકો’
તેમણે એવું પણ કહ્યું કે, ‘દેશના જીડીપીમાં કાશીનું યોગદાન છે. કાશીમાં રોજગારીની નવી નવી તકો ઊભી થઈ છે. ગયા વર્ષે 11 કરોડ લોકોએ કાશીનો વિકાસ નિહાળ્યો હતો. 2014 પહેલા કાશીની સ્થિતિ શું હતું? તે કોઈનાથી છુપાયેલી વાત નથી.’
CM યોગીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
તેમણે વધુમાં કહ્યું કે, ‘મણિકર્ણિકા ઘાટ(Manikarnika Ghat)ના એક કાર્યક્રમનું કામ સીએસઆરના નાણાંથી થઈ રહ્યું છે, સરકારના નાણાંથી નહીં. જોકે કેટલાક લોકો મણિકર્ણિકા ઘાટને બદનામ કરી રહ્યા છે, ષડયંત્ર રચી રહ્યા છે. અહીં સનાતન ધર્મમાં અંતિમ સંસ્કાર થાય છે. લોકો મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવા માટે આવે છે. કોંગ્રેસે અહિલ્યાબાઈ હોલ્કરને ક્યારે સન્માન આપ્યું નથી. કેટલાક લોકો કાશીના વિકાસમાં અચડચણો ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાશીને લઈને નિવેદનબાજી કરી રહ્યા છે.’
મણિકર્ણિકા ઘાટ સૌથી પવિત્ર સ્મશાન સ્થળ
-પૌરાણિક માન્યતાઓ મુજબ આ જ જગ્યાએ ભગવાન વિષ્ણુની મણિ પડી હતી, જેના કારણે તેનું નામ મણિકર્ણિકા પડ્યું.
-મણિકર્ણિકા કાશીના 84 મુખ્ય ઘાટોમાંથી એક, દેવી અહિલ્યાબાઈ હોલ્કર દ્વારા બનાવવામાં આવેલા 5 ઘાટોમાંથી એક.
-મણિકર્ણિકા ઘાટ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર સ્મશાન સ્થળ છે. અહીં અગ્નિસંસ્કાર કરવાથી મોક્ષ મળે તેવી માન્યતા છે.
-આ ઘાટ વારાણસીના સૌથી જૂના ઘાટોમાંનો એક છે, જેની વાર્તા માતા સતીના કાનની બુટ્ટી સાથે સંબંધિત છે.
આ પુનર્વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવ્યો હતો. તે કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે.
આ પણ વાંચો : BMC ચૂંટણીમાં સૌથી પૈસાદાર વિજેતા ઉમેદવાર કોણ? સંપત્તિ જાણીને આંખો પહોળી થઈ જશે
ખડગેએ મણિકર્ણિકા ઘાટ મામલે PM મોદી પર સાધ્યું હતું. નિશાન
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુન:વિકાસને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતો. ખડગેએ કહ્યું હતું કે, 'સૌંદર્યકરણ અને વ્યાપારીકરણના નામે વિરાસતોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. PM મોદી ઇતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ-પ્લેટ ચોંટાડવા માંગે છે. 15 જાન્યુઆરી 2026ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'જી, સુંદરતા અને વ્યાપારીકરણના નામે વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર બુલડોઝર ચલાવીને સદીઓ જૂના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ધ્વસ્ત કરવાનું કામ કર્યું છે. પહેલા કોરિડોરના નામે મોટા અને નાના મંદિરો અને તીર્થસ્થાનો તોડી પાડવામાં આવ્યા હતા, અને હવે પ્રાચીન ઘાટનો વારો છે. તમે ઐતિહાસિક વારસાના દરેક ભાગને ભૂંસી ફક્ત તમારી નેમપ્લેટ લગાવવા માંગો છો'


