First Vande Bharat Sleeper: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી હતી. તેમજ પશ્ચિમ બંગાળને હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપતા કહ્યું હતું કે બંગાળમાં પણ અમે સુશાસન લાવીશું.
મહત્ત્વનું છે કે વંદે ભારત સ્લીપરની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. એ પશ્ચિમ બંગાળના હાવડાથી ગુવાહાટી (કામાખ્યા) વચ્ચેનું 958 કિલોમીટરનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે. ટ્રેનની કુલ મુસાફર ક્ષમતા 1128 છે. એના 16 કોચમાંથી 11 એસી-3 ટાયર કોચ, ચાર એસી-2 ટાયર કોચ અને એક ફર્સ્ટ એસી કોચ છે. સ્લીપર ટ્રેનના થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે. સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ એસીનું ભાડું અંદાજે ₹ 3,600 છે. આ ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર મુસાફરીનો સમય લગભગ 2.5 કલાક જેટલો ઘટાડશે. હાલમાં, હાવડાથી ગુવાહાટી સુધીની ટ્રેનની મુસાફરીમાં લગભગ 18 કલાકનો સમય લાગે છે.
'એક એક ઘૂસણખોરોને હાંકી કાઢીશું'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ' ઘૂસણખોરોને કારણે આજે બંગાળમાં ઘણી જગ્યાએ જન સંતુલન ખોરવાઇ ગયું છે, ભાજપ સરકાર બનશે ત્યારે એક એક ઘૂસણખોરોને હાંકી કાઢવામાં આવશે. બંગાળના લોકોનું ત્યારે જ ભલું થશે જ્યારે અહીં દરેક કામમાં અડચણ પેદા કરનારી સરકાર TMC નહીં રહે, વિકાસવાળી ભાજપ સરકાર હશે. માલદા તે જગ્યા છે જ્યાં પ્રાચીન સભ્યતાની ગૂંજ છે, રાજનીતિ છે, સંસ્કૃતિ છે'
ઘૂસણખોરોના કારણે બંગાળના વધ્યા રમખાણો: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘૂસણખોરો મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, રાજ્યમાં ભાજપની સરકારની બનતા જ ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો મોટી સમસ્યા ઊભી કરી રહ્યા છે. દુનિયાના ઘણા વિકસિત દેશો જેમને ધન-સંપત્તિની કોઈ ઓછી નથી, તેઓ પણ પોતાના દેશમાંથી ઘૂસણખોરોને કાઢી રહ્યા છે. બંગાળમાંથી પણ આવા લોકોને બહાર કરવાની જરૂર છે. બંગાળના અનેક વિસ્તારોમાં વસતીનું સંતુલન બગડી રહ્યું છે. અહીંના લોકોએ મને જણાવ્યું છે કે ઘણા વિસ્તારોમાં પણ ભાષા અને બોલી પણ બદલાઈ ગઈ છે. ઘૂસણખોરોના કારણે માલદા, મુર્શીદાબાદ સહિતના વિસ્તારોમાં રમખાણો થઈ રહ્યા છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરો વિરુદ્ધ કડક એક્શન લેવાશે. આ મોદીની ગેરંટી છે કે પડોશી દેશોમાં ધર્મના આધારે થતી હિંસાથી બચવા માટે ભારત આવેલા મતુઆ અને નામશુદ્ર સમુદાયના શરણાર્થીઓની સુરક્ષા કરાશે. આ શરણાર્થીઓએ ડરવાની જરૂર નથી.
'પથ્થરદિલ સરકારની વિદાય જરૂરી'
TMCવાળાઓને લોકોની તકલીફની કોઈ ચિંતા નથી, તે તેમની તિજોરી ભરવામાં લાગ્યા છે. હું ઈચ્છું છું કે દેશના દરેક રાજ્યોની માફક બંગાળમાં પણ ગરીબોને સારવાર માટે 5 લાખ મળે. આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવે, પણ બંગાળ એક માત્ર રાજ્ય છે જ્યાંની સરકારે આ યોજના લાગુ કરી નથી. આવી પથ્થરદિલ સરકારની બંગાળમાંથી વિદાય જરૂરી છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો
• મુસાફરીનો સમય: હાવડા અને ગુવાહાટી વચ્ચે મુસાફરીમાં અત્યારે લગભગ 17 કલાક લાગે છે, જે આ ટ્રેન શરૂ થવાથી ઘટીને 14 કલાક થઈ જશે.
• ઝડપ: આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.
• કોચની સુવિધા: ટ્રેનમાં કુલ 16 આધુનિક કોચ છે, જેમાં કુલ 1128 મુસાફરો મુસાફરી કરી શકશે.
• આરામદાયક મુસાફરી: અત્યાર સુધીની વંદે ભારત ટ્રેનો માત્ર બેસવાની સુવિધા (ચેર કાર) આપતી હતી, પરંતુ આ સ્લીપર ટ્રેનમાં મુસાફરો રાત્રે આરામથી સૂઈને લાંબા અંતરની મુસાફરી કરી શકશે.
• ટેકનોલોજી: ટ્રેનમાં એરોડાયનેમિક ડિઝાઇન અને આધુનિક સસ્પેન્શન સિસ્ટમ છે, જેના કારણે ટ્રેનમાં ઝટકા અને અવાજ ઓછા અનુભવાશે.
ટિકિટનો અંદાજિત દર (ભાડું)
ટ્રેનમાં 11 એસી-3 ટિયર, 4 એસી-2 ટિયર અને 1 ફર્સ્ટ એસી કોચ છે. ભાડાની વિગત નીચે મુજબ છે:
• થર્ડ એસી (3AC): અંદાજે રૂ.2300
• સેકન્ડ એસી (2AC): અંદાજે રૂ.3000
• ફર્સ્ટ એસી (1AC): અંદાજે રૂ.3600


