Bulandshahr Gang Rape Case : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 28 જુલાઈ 2016ની રાત્રે નેશનલ હાઈવે-91 પર ગાઝિયાબાદના એક પરિવાર સાથે બનેલી અત્યંત શરમજનક ઘટનાના કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વિશેષ પોક્સો ન્યાયાધીશ ઓ.પી.વર્માએ આ કેસના તમામ પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી પીડિત પરિવારને 9 વર્ષે ન્યાય આપ્યો છે. આ સાથે કોર્ટે પ્રત્યેક દોષિત પર 1.81 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જેમાંથી અડધી રકમ પીડિત માતા અને પુત્રીને આપવામાં આવશે.
પુરુષોને બાંધી દીધા, લૂંટફાટ કરી, સગીરા-માતા પર દુષ્કર્મ આચર્યું
28 જુલાઈ 2016ની રાત્રે નોઈડામાં રહેતો એક પરિવાર શાહજહાંપુર ખાતે પોતાના વતનમાં તેરમાની વિધિમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. ત્યારે દોસ્તપુર ફ્લાયઓવર પાસે અજાણ્યા બદમાશોએ કાર પર લોખંડની વસ્તુ ફેંકી તેને અટકાવી હતી. ત્યારબાદ આરોપીઓએ પરિવારના છ સભ્યોને બંધક બનાવી ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં પુરુષોના હાથ-પગ બાંધી દઈને 14 વર્ષની સગીરા અને તેની માતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને લૂંટફાટ કરી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે
કાળજુ કંપાવી દે તેવી હેવાનોની હેવાનિયત
રિપોર્ટ મુજબ, હેવાનોએ પહેલા 14 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી હતી. સગીરાએ પપ્પા... પપ્પા.ની ચીસ પાડતા નરાધમોએ પિતાને માર માર્યો હતો. આ રાક્ષસી દાનવોએ બેથી અઢી કલાક સુધી માતા અને સગીરા પર ક્રૂરતા આચરી હતી. ત્યારબાદ પીડિતોએ અનેક વખત 100 નંબર ડાયલ કર્યો હતો, તેમ છતાં પોલીસ પહોંચી ન હતી.
SSP સહિત 17 પોલીસ કર્મચારી સામે પણ કાર્યવાહી
શરૂઆતની તપાસમાં સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં એસએસપી સહિત 17 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરાઈ હતી. ત્યારબાદ હાઈકોર્ટના આદેશથી તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈની તપાસમાં બાવરિયા ગેંગના સભ્યોના નામ સામે આવ્યા હતા. આ કેસમાં કુલ છ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી, જેમાંથી એકનું જેલમાં બીમારીના કારણે મોત થયું છે, જ્યારે બે આરોપીઓ નોઈડા અને હરિયાણા પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો
ફાંસીની સજા આપવાની માંગ
સજા સંભળાવતી વખતે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આવા રાક્ષસોને સભ્ય સમાજથી દૂર રાખવા અનિવાર્ય છે. જોકે, પીડિત પરિવારે આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. બીજી તરફ સજા સાંભળ્યા બાદ આરોપીઓએ કોર્ટમાં પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલ-પાથલના એંધાણ, જાણો શું થયું


