Uttar Pradesh Blackout Mock Drill : ઉત્તર પ્રદેશમાં આજે શુક્રવારે સાંજે 6 વાગ્યે રાજ્યવ્યાપી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન તમામ વિસ્તારોમાં લાઇટો બંધ રાખવામાં આવશે અને લોકોને પણ પોતપોતાના ઘરો તેમજ ઓફિસોની લાઇટો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. બ્લેકઆઉટ દરમિયાન સમગ્ર રાજ્યમાં જોરથી સાયરન પણ વાગશે. વાસ્તવમાં ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને સતર્ક રહેવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે.
શા માટે કરવામાં આવશે બ્લેકઆઉટ?
આ એક વ્યાપક મોક ડ્રીલ છે, જેનો ઉદ્દેશ્ય યુદ્ધ અથવા હવાઈ હુમલા જેવી ઈમરજન્સી સ્થિતિમાં તંત્રની તૈયારીઓને પરખવાનો છે. આ કવાયત દ્વારા એ જોવામાં આવશે કે, સંકટ સમયે સિવિલ ડિફેન્સ, NDRF, હોમગાર્ડ્સ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ જેવી એજન્સીઓ પરસ્પર કેટલું શ્રેષ્ઠ સંકલન સાધી શકે છે. આ ઓપરેશન દ્વારા સામાન્ય જનતાને પણ આવી આકસ્મિક પરિસ્થિતિઓ સામે જાગૃત કરવામાં આવશે.
બ્લેકઆઉટનું મહત્વ
બ્લેકઆઉટનો મુખ્ય હેતુ હવાઈ હુમલા જેવી સ્થિતિમાં દુશ્મનને ભ્રમિત કરવાનો હોય છે. જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવે છે, ત્યારે આકાશમાંથી દુશ્મન માટે તે વિસ્તારના સચોટ લોકેશનને શોધવું મુશ્કેલ બની જાય છે. આ રણનીતિ હેઠળ જ લોકોને સુરક્ષિત રહેવાની તાલીમ આપવામાં આવશે.
આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી
એજન્સીઓ વચ્ચે સંકલનની કસોટી
નોંધનીય છે કે, અગાઉ ઓપરેશન સિંદૂર પહેલા પણ દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારની મોક ડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં આવી મોક ડ્રીલનું આયોજન થઈ રહ્યું છે. સાંજે 6 વાગ્યાથી શરૂ થનારી આ કવાયતમાં તમામ સરકારી વિભાગો સક્રિય ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ


