Get The App

યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
Ujjain Tarana Clash between two groups



Ujjain Tarana Clash between two groups: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા તરાના કસબામાં ગુરુવારે શરૂ થયેલો સામાન્ય વિવાદ શુક્રવારે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી હતી કે તોફાની તત્વોએ ઘરો પર પથ્થરમારો કર્યો હતો અને એક પેસેન્જર બસને આગને હવાલે કરી દીધી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે તરાનામાં કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદમાં સોહેલ ઠાકુર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સોહેલ પર થયેલા આ હુમલાના વિરોધમાં શુક્રવારે રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

હિંસા અને આગજની

શુક્રવારે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. અજ્ઞાત તોફાની તત્વોએ રહેણાંક વિસ્તારોમાં ઘૂસીને પથ્થરમારો કર્યો હતો, જેના કારણે અનેક ઘરોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી એક બસને સળગાવી દેતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસની કાર્યવાહી: 5 આરોપીની ધરપકડ

ઘટનાની ગંભીરતાને જોતા ઉજ્જૈન એસપી પ્રદીપ શર્માએ પોતે ઘટનાસ્થળે પહોંચી મોર્ચો સંભાળ્યો છે અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત સોહેલ ઠાકુરની ફરિયાદના આધારે કુલ 6 શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 5 મુખ્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ એક ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોહેલની હાલત હવે સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ

ડ્રોનથી રખાશે નજર

તરાનામાં શાંતિ જાળવવા માટે વહીવટીતંત્રે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે. કસબામાં 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. તોફાની તત્વોને ઓળખવા માટે ડ્રોન કેમેરા અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસને નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી 2 - image