Get The App

PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
PM Modi in Thiruvananthapuram


(IMAGE - IANS)

PM Modi in Thiruvananthapuram: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં 22 જાન્યુઆરીએ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરીને એક વિશાળ જનસભા સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે દક્ષિણ ભારતમાં ભાજપના વધતા પ્રભાવ અને ભવિષ્યની વ્યૂહનીતિના મહત્ત્વના સંકેત આપ્યા હતા. આ દરમિયાન તેમણે કેરળના તિરુવનંતપુરમની સરખામણી ગુજરાતના અમદાવાદ સાથે કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત વિવિધ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનોથી કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી વધારવામાં મદદ મળશે. 

‘એક સમયે અમદાવાદમાં ભાજપ માટે જીત મુશ્કેલ...’ 

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ હાલમાં જ તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપની જીત અને ગુજરાતના અમદાવાદની તુલના કરી હતી. આ વાત કરતા તેમણે કહ્યું હતું કે, જે રીતે દાયકાઓ પહેલા ગુજરાતમાં ભાજપે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને આજે ગુજરાત વિકાસનું પર્યાય બન્યું છે, તેવી જ સ્થિતિ અત્યારે કેરળમાં જોવા મળી રહી છે. જે રીતે 1987માં ભાજપે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીતીને સફર શરૂ કરી હતી, તે જ રીતે કેરળમાં પણ આ એક મોટી શરૂઆત છે. એક સમયે અમદાવાદમાં ભાજપ માટે જીતવું મુશ્કેલ ગણાતું હતું, પરંતુ જનતાના આશીર્વાદ અને કાર્યકરોની મહેનતથી આજે ચિત્ર બદલાઈ ગયું છે. તિરુવનંતપુરમમાં પણ મને એવો જ ઉત્સાહ અને બદલાવની લહેર દેખાઈ રહી છે. લોકોએ અમારું કામ જોયું, અમારા વ્યવહારને પારખ્યો, પરિણામે ગુજરાતના લોકો દાયકાઓથી અમારા પર ભરોસો કરી રહ્યા છે. જે રીતે એક શહેરથી શરૂઆત થઈ હતી, તેવી જ શરૂઆત હવે કેરળમાં પણ થઈ છે. તિરુવનંતપુરમની જીત એ કેરળને ભ્રષ્ટ શાસનમાંથી મુક્ત કરવાના મક્કમ નિર્ધારની જીત છે.


‘LDF અને UDFનું પાંચ-પાંચ વર્ષના શાસનનું ગઠબંધન તોડો’ 

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેરળના લોકો હવે પરંપરાગત ગઠબંધનો (LDF અને UDF) થી કંટાળી ગયા છે. કેરળમાં LDF અને UDF વચ્ચે સમજૂતી છે કે પાંચ વર્ષ તમે શાસન કરો અને પાંચ વર્ષ અમે. આ ગઠબંધન તોડવું જરૂરી છે. હવે અહીંના લોકો વિકાસ ઈચ્છે છે. જે રીતે ગુજરાતે પ્રગતિના નવા આયામો સર કર્યા છે, તેવી જ ક્ષમતા કેરળના યુવાનો અને અહીંની ભૌગોલિક સ્થિતિમાં રહેલી છે. તિરુવનંતપુરમને આગામી સમયમાં ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનાવવાનું અમારું વિઝન છે. 

‘અહીં ભાજપની જીત રાજકીય નહીં, પરંતુ વિકાસના એજન્ડાની જીત હશે’

દક્ષિણ ભારતમાં ભાજપના પગપેસારા અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેરળમાં ભાજપની જીત માત્ર રાજકીય જીત નહીં હોય, પરંતુ તે વિકાસના એજન્ડાની જીત હશે. જે રીતે પશ્ચિમ ભારતમાં ભાજપે વિશ્વાસ સંપાદિત કર્યો છે, તેમ હવે દક્ષિણના આ રાજ્યમાં પણ કમળ ખીલવા જઈ રહ્યું છે. મને વિશ્વાસ છે કે, આગામી ચૂંટણીઓમાં કેરળની જનતા ભાજપને સેવા કરવાની તક ચોક્કસ આપશે. કેન્દ્ર સરકાર યુરોપ અને ગલ્ફ દેશો સાથે જે કરાર કરી રહી છે, તેનો લાભ કેરળના લોકોને ત્યારે જ મળશે જ્યારે અહીં પણ 'ડબલ એન્જિન' સરકાર (ભાજપ સરકાર) હશે.

આ પણ વાંચો: કોંગ્રેસમાં 'ઓલ ઇઝ નોટ વેલ'? 'અપમાન' બાદ થરૂરે હાઈ કમાન્ડ બેઠકને બતાવ્યો ઠેંગો

નોંધનીય છે કે, આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એ પહેલા તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપની જીત અને વડાપ્રધાન મોદીનો પ્રવાસ રાજકીય રીતે મહત્ત્વનો છે. રાજકીય નિષ્ણાતોના મતે, વડાપ્રધાન મોદીનું આ ભાષણ પણ કેરળના રાજકારણમાં મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે. અમદાવાદ સાથેની તુલના દ્વારા વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યો છે કે, વિકાસની રાજનીતિ કોઈ પણ ગઢને તોડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે 'ગુજરાત મોડલ' અને વડાપ્રધાન મોદીનો આ ભરોસો કેરળના મતદારોના હૃદય સુધી કેટલો પહોંચે છે.

PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ 2 - image