પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’
UNSC Report on Pakistan : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) પહલગામ હુમલા મામલે પાકિસ્તાની પોલ ખોલી છે. પરિષદે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાના ગ્રૂપ ધ રેજિસ્ટેન્સ ફ્રન્સ (TRF)ની પહલગામ હુમલામાં ભૂમિકા હોવાનો સ્વિકાર કર્યો છે. યુએનએસસીના રિપોર્ટમાં પ્રથમવાર ટીઆરએફનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટના કારણે પાકિસ્તાનની જમીન પર આતંકવાદને આશ્રય આપવાના ભારતના દાવાને આંતરરાષ્ટ્રીય મંચ પર બળ મળ્યું છે. પાકિસ્તાન પોતાની જમીન પર ટીઆરએફ સક્રિય હોવાની વાતનો વારંવાર ઈન્કાર કરી રહ્યું છે, જોકે આ રિપોર્ટે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે.
TRF હુમલાની જવાબદારી લઈને છટકી ગયું : રિપોર્ટ
યુએનએસસીમાં ISIL (દાએશ), અલકાયદા જેવા આતંકવાદી સંગઠનો પર દેખરેખ રાખતી સેક્શન્સ મોનિટિંગ ટીમે તાજેતરના 36માં રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ‘આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની બે વખત જવાબદારી લીધી હતી અને હુમલાની તસવીરો પણ જારી કરી હતી. પહલગામમાં લશ્કર-એ-તોઈબા (LeT)નો હાથ છે. ટીઆરએફએ આ જ દિવસે હુમલાની જવાબદારી લીધી હતી અને દુનિયા સમક્ષ હુમલા સ્થળની તસવીરો પણ જાહેર કરી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, ટીઆરએફ 26 એપ્રિલે જવાબદારીમાં છટકી ગયું હતું. ત્યારબાદ ટીઆરએફ કશું બોલ્યું નથી અને અન્ય કોઈ આતંકવાદી સંગઠને પણ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો નથી.’
‘હુમલામાં લશ્કર-એ-તોઈબાનો હાથ’
રિપોર્ટમાં કહેવાયું છે કે, પાંચ આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામના પ્રવાસન સ્થળ પર હુમલો કર્યો હતો, જેમાં 26 નિર્દોષ નાગરિકોનો જીવ લીધો હતો. આ હુમલો લશ્કર-એ-તોઈબાના સમર્થનથી કરાયો છે.’ હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને બંને દેશો વચ્ચે ચાર દિવસ ઘર્ષણ થયું હતું. ભારતે પાકિસ્તાન સ્થિત અનેક આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
ટીઆરએફ લશ્કરનું બીજું નામ : UNSC
રિપોર્ટમાં એક સભ્ય દેશને ટાંકીને કહેવાયું છે કે, ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં આતંકવાદી હુમલો કરવો શક્ય નથી. આ હુમલો ટીઆરએફએ કર્યો હતો અને તે લશ્કરનું બીજું નામ છે. અમેરિકાએ આ મહિને TRF ને વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યું.