'સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંચર કરી દેશે...', નીતિન ગડકરીનું સૂચક નિવેદન
Union Minister Nitin Gadkari : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં કહ્યું કે, રાજકારણ નશા જેવું હોય છે અને જ્યારે વ્યક્તિ નશામાં હોય છે, ત્યારે તેમની વિચાર કરવાની શક્તિ જતી રહે છે. સત્તા, સંપત્તિ અને સૌંદર્ય પરમેનેન્ટ હોતા નથી, પરંતુ ક્ષણિક હોય છે.
‘ખરાબ સમયમાં પૂછનાર કોઈ હોતું નથી’
ગડકરીએ કહ્યું કે, ‘જ્યારે સારા દિવસો હોય છે, ત્યારે તમારી પ્રશંસા કરનારાઓ ઘણા મળી જાય છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે, ત્યારે પૂછનાર એક પણ હોતો નથી. મારી ઘણી ઈચ્છા છે કે, નાગપુરમાં 300 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવું, જોકે મારા ચાર વર્ષના અનુભવમાં ધ્યાને આવ્યું છે કે, સરકાર ખૂબ જ નકામી વસ્તુ છે. કોર્પોરેશનના ભરોસે કોઈ કામ થતું નથી, આ લોકો ચાલતી ગાડીમાં પંક્ચર કરવાનું કૌશલ્ય ધરાવે છે.’
સ્ટેડિયમમાં રમવા માટે ફી
તેમણે વધુમાં કહ્યું કે, હું સ્પોર્ટ્સ સ્ટેડિયમ ચલાવતા દુબઈના એક બિઝનેસમેનને મળ્યો હતો. ત્યારબાદ મેં નિર્ણય કર્યો કે, અમે ટેન્ડર બહાર પાડીને 15 વર્ષ માટે એક જગ્યા આપીશું, લાઈટ, ગેલેરી વગેરે બનાવીને આપીશું. જ્યારે લોનના મેન્ટેન્સની જવાબદારી તેઓની રહેશે. એરિયા મુજબ ત્યાં સ્પોર્ટ્સ રમાડી શકાશે. અહીં રમવા ઈચ્છુક ખેલાડીઓ પાસેથી ઓછામાં ઓછી 500-100 ફી લેવામાં આવશે.’
આ પણ વાંચો : 10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ
‘રાજકારણ ફોગટોનું બજાર’
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘ફી લેવી જરૂરી છે, મફતમાં ન શિખવાડવું જોઈએ. હું રાજકારણમાં છું અને તેમાં ફોગટ્યાઓનું બજાર છે. અહીં બધી જ વસ્તુ ફોગટમાં જોઈએ, પરંતુ હું મફતમાં કંઈપણ આપતો નથી. રમત અને રાજકારણ નશા જવો હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ આ નશામાં કામ કરે છે તો તે વિચારવાનું બંધ કરી દે છે. સત્તા, સંપત્તિ અને સૌદર્ય હંમેશા માટે હોતા નથી, પરંતુ ક્ષણિક હોય છે.’
‘હું રૂ.5 લાખ કરોડનું કામ પૈસા આપ્યા વગર કરાવી શકું છું’
તેમણે એમ પણ કહ્યું કે, ‘હું નાણાંકીય સલાહકાર નથી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ નથી, પરંતુ નાણાકીય નિષ્ણાત જરૂર છું. હું કોઈપણ પૈસા આપ્યા વગર પાંચ લાખ કરોડ રૂપિયાનું કામ કરાવી શકું છું. હું જાણું છું કે, કયું કામ કેવી રીતે પૂરું કરવું જોઈએ.’ સંબોધન દરમિયાન ગડકરીએ યુવાઓને કોઈપણ કેરિયરમાં ઈમાનદારી સાથે મહેનત કરવાની સલાહ આપી હતી અને કહ્યું કે, ખરાબ સમયમાં કોઈપણ સાથ દેતું નથી.