10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ
Fake Embassy Case : ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ કરાયા બાદ રોજબરોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ કહ્યું કે, હર્ષવર્ધનના બી-35 કવિનગરના મકાનમાંથી દસ્તાવેજ જપ્ત કરાયા છે, જેમાં ભેજાબાજે એહસાન અલી સૈયદ સાથે મળીને વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી હોવાનો અને અનેક બેંક એકાઉન્ટ ધરાવતો હોવાનો ખુલાસો થયો છે. હર્ષવર્ધનના વિદેશમાં અનેક એકાઉન્ટ હોવાનો, 10 વર્ષમાં 162 વખત વિદેશ યાત્રા કરી હોવાની પણ માહિતી સામે આવી છે. હર્ષવર્ધનને કસ્ટડી રિમાન્ડ લેવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે અને આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે.
300 કરોડથી વધુનું કૌભાંડ
ઉત્તર પ્રદેશની એટીએફે જણાવ્યું છે કે, હર્ષવર્ધન 300 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ છે, જેની તપાસ ચાલી રહી છે. તેણે વિદેશમાં લોન આપવાના નામે કૌભાંડ કર્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક કૌભાંડની પણ તપાસ ચાલી રહી છે. એસટીએફના દાવા મુજબ હર્ષવર્ધન હવાલાનો અને લાયઝનિંગના ધંધાનો ખેલાડી હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. જાણીતા વ્યક્તિ ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનની મુલાકાત સાઉદીમાં હથિયારોના ડિલર અદનામ ખગોશી તથા લંડનમાં એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી.
અનેક શેલ કંપનીઓ હોવાનો પણ ખુલાસો
હૈદરાબાદનો રહેવાસી એહસાન અલી સૈયદ પાસે તુર્કેઈની નાગરિકતા છે. ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનને સૈયદ સાથે લંડન મોકલ્યો હતો. બંનેએ ભેગા મળી લંડનમાં અનેક શેલ કંપનીઓ ઉભી કરી હતી. આ મામલે તપાસ કરી રહેલી એસટીએફને કેટલાક દસ્તાવેજ હાથ લાગ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 25થી વધુ કંપનીઓ ઉભી કરી હોવાનો અને કંપનીઓનો ડેટા પણ હર્ષવર્ધન પાસે હોવાની વિગતો સામે આવી છે.
દેશ-વિદેશમાં બેંક એકાઉન્ટ, બે પાનકાર્ડ
હર્ષવર્ધનના દુબઈમાં છ, મોરેશિયસમાં એક, યુકેમાં ત્રણ તથા ભારતમાં એક બેંક એકાઉન્ટ હોવાની અને બે પાનકાર્ડ હોવાની માહિતી સામે આવી છે. હાલ આ બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. પાનકાર્ડના આધારે દેશ-વિદેશમાં બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાની જાણ થયા બાદ તપાસ શરૂ કરી દેવાઈ છે.
10 વર્ષમાં 162 વખત વિદેશ પ્રવાસ કર્યો
પાસપોર્ટની તપાસ કરાયા બાદ હર્ષવર્ધને 2005થી 2015 દરમિયાન 10 વર્ષમાં 19 દેશોમાં 162 વખત વિદેશ પ્રવાસ કર્યો છે. તેણે સૌથી વધુ યુએઈમાં 54 વખત, યુકેમાં 22 પ્રવાસ કર્યો છે. આ ઉપારાંત મોરેશિયસ, ફ્રાન્સ, કેમરૂન, પોલેન્ડ, શ્રીલંકા, તુર્કી, ઇટાલી, સેબોર્ગો, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, મલેશિયા, જર્મની અને થાઇલેન્ડનો પણ પ્રવાસ કરેલો છે.
હર્ષવર્ધનની કસ્ટડી રિમાન્ડની તૈયારી, સોમવારે સુનાવણી
પોલીસે હર્ષવર્ધનના કસ્ટડી રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશ એસટીએફની નોઈડા શાખાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ રાજકુમરા મિશ્રાએ કહ્યું કે, ‘કવિનગર પોલીસે હર્ષવર્ધનની કસ્ટડી રિમાન્ડ માટે સ્થાનીક કોર્ટમાં અરજી કરી છે, ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે. આરોપી પાસેથી સર્વોગા સહિત અન્ય નાના દેશોના 12 ડિપ્લોમેટિક પાસપોર્ટ મળી આવ્યા છે.