Get The App

માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની 'એન્ટ્રી', મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની 'એન્ટ્રી', મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ 1 - image


Maharashtra News : શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આજે (27 જુલાઈ) જન્મ દિવસ છે, ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે ‘માતોશ્રી’ નિવાસસ્થાને જઈને ઉદ્ધવને શુભેચ્છા પાઠવી છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજ ઠાકરે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા અને ઉદ્ધવ પરિવારને પુત્રના અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. ઠાકરે બંધુઓ જુદા જુદા પક્ષના વડાં છે, ત્યારે બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં નવી અટકળો શરૂ થઈ ગઈ છે.

માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની 'એન્ટ્રી', મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ 2 - image

રાજે ઉદ્ધવને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

છેલ્લા ઘણા સમયથી ઠાકરે બંધુઓ વચ્ચે અવારનવાર મુલાકાત થઈ રહી છે. તાજેતરમાં જ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલી રેલીમાં ઠાકરે બંધુઓ એક મંચ પર જોવા મળ્યા હતા અને હવે રાજે ઉદ્ધવના ઘરે જઈને મુલાકાત કરી છે. રાજ ઠાકરે છ વર્ષ બાદ માતોશ્રી જતા નવી અટકળો ચાલી રહી છે, કારણ કે શિવસેના છોડ્યા બાદ તેઓ માત્ર કેટલાક પ્રસંગો પુરતા જ માતોશ્રી ગયા હતા. લગભગ 13 વર્ષ પહેલા શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેની તબિયત લથડી હતી, ત્યારે રાજ માતોશ્રી ગયા હતા.

માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની 'એન્ટ્રી', મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાય તેવા એંધાણ 3 - image

ઠાકરે બંધુ 20 વર્ષમાં પ્રથમવાર એક મંચ પર આવ્યા

આ મહિનાની શરૂઆતમાં ઉદ્ધવ ઠાકરે (Shiv Sena UBT Leader Uddhav Thackeray) અને રાજ ઠાકરે (MNS Chief Raj Thackeray) દ્વારા સંયુક્ત મરાઠી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકરે બંધુ 20 વર્ષ બાદ પહેલીવાર એક મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન રાઠ ઠાકરેએ કહ્યું હતું કે, ‘જે કામ બાલા સાહેબ ઠાકરે કે પછી અન્ય કોઈ કરી શક્યું નથી, તે કામ દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું અને અમને મંચ પર લાવી દીધા. અમે સાથે રહીશું એટલે જ સાથે આવ્યા છીએ. ભાજપે લોકોનો ઉપયોગ કરો અને ફેંકી દોની નીતિ શરૂ કરી છે. હવે અમે તેમને બહાર કાઢી મુકીશું. હિન્દુત્વ પર કોઈનો એકાધિકાર નથી. તમારે અમને હિન્દુત્વ શિખવાડવાની જરૂર નથી.’

રાહુલ ગાંધીએ ઉદ્ધવને પાઠવી શુભેચ્છા

રાજ ઠાકરે અગાઉ માતોશ્રી ગયા, ત્યારે કોઈ ને કોઈ ખાસ કારણ હતું. જોકે હવે તેઓ સ્વેચ્છાએ પહેલીવાર પોતાના ભાઈને જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે માતોશ્રી ગયા છે. આ ભાઈચારાને ઠાકરે બંધુઓનો એક થવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે. બીજીતરફ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ઉદ્ધવને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘શિવસેના અધ્યક્ષ અને INDIA ગઠબંધનના સાથી ઉદ્ધવ ઠાકરેજીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા. તમે સ્વસ્થ રહો, લાંબુ જીવો અને આપણે મહારાષ્ટ્રના લોકોના હિતો અને અધિકારોની લડાઈ સાથે લડીશું.’

આ પણ વાંચો : ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા

Tags :