Get The App

‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો...’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો...’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ 1 - image


UGC Controversy : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ‘ઈક્વિટી રૂલ્સ 2026’ને લઈને સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. એક તરફ અયોધ્યાના સંત સમાજે આને કાળો કાયદો ગણાવીને ઉગ્ર ચેતવણી આપી છે, તો બીજી તરફ રાજકીય મોરચે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં સમાનતા લાવવાના નામે ભેદભાવ વધારવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દિલ્હીમાં યુજીસી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો છે.

...તો મને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપો : જગદગુરુ પરમહંસ

અયોધ્યાની તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્ય(Jagadguru Paramhans Acharya)એ આ નિયમો સામે અત્યંત આકરા તેવર અપનાવતા કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘UGCનો આ કાળો કાયદો પાછો ખેંચો અથવા મને ઇચ્છા મૃત્યુની પરવાનગી આપો.’

...તો કેમ્પસમાં અશાંતિ વધશે : શિવસેના પણ નવા કાયદાની વિરોધમાં

શિવસેના યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી(Priyanka Chaturvedi)એ પણ આ નવા કાયદાની ટીકા કરતાં કહ્યું છે કે, ‘જાતિગત ભેદભાવ સામે ગાઇડલાઇન્સ હોવી જોઈએ, પરંતુ જો ગાઇડલાઇન્સ ભેદભાવપૂર્ણ હશે તો કેમ્પસમાં અશાંતિ વધશે. તમે એક તરફ એવું વિચારો છો કે આ જ શોષણ કરનારા છે અને બીજી તરફ વાળા શોષિત છે. આ ખોટું છે. જો એસસી-એસટી-ઓબીસી વિરુદ્ધ 10 આવા કેસ થાય અને જનરલ કેટેગરી વિરુદ્ધ પણ કેટલાક કેસ થાય તો આવા કિસ્સામાં શું થશે? આખરે ભેદભાવ થયો છે કે નહીં, તે કેવી રીતે ખબર પડશે? જો કોઈ ખોટો કેસ કરે તો તેના પર શું કાર્યવાહી થશે? આ વિદ્યાર્થીના આખા કરિયરનો સવાલ છે, વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીએ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.’

UGC વિવાદ અંગે કેન્દ્ર સરકારે શું કહ્યું?

દેશભરમાં વધી રહેલા તણાવ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું એક વાત ખૂબ જ નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે નહીં અને કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. ડિસ્ક્રિમિનેશનના નામે કોઈને પણ કાયદાનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં, પછી તે યુજીસી હોય, ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ તેમની જવાબદારી રહેશે. હું આશ્વાસન આપું છું કે, જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે બંધારણના દાયરામાં જ હશે. આ વિષય સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની વ્યવસ્થા છે, તેથી કોઈની પણ સાથે ભેદભાવ કે અત્યાચાર કરવામાં આવશે નહીં તેવી હું અપીલ અને ખાતરી કરું છું.'

દેશભરમાં વિરોધ : ભાજપ નેતાઓના પણ રાજીનામા

હાલમાં આ મુદ્દે દેશભરના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યા છે. ઉત્તર પ્રદેશમાં આ મુદ્દાની અસર રાજકીય રીતે પણ જોવા મળી રહી છે, જ્યાં ઘણા ભાજપ નેતાઓએ રાજીનામા આપ્યા છે અને એક પીસીએસ અધિકારીએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે યુજીસીના આ નવા આદેશથી શૈક્ષણિક માહોલ બગડશે અને વિવિધ વર્ગો વચ્ચે અથડામણની સ્થિતિ પેદા થશે. દિલ્હીમાં યુજીસી ઑફિસ બહાર મોટી સંખ્યામાં યુવાઓ અને મુસ્લિમ તેમજ સવર્ણ સમાજના લોકો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો : UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

શું છે વિવાદનું મુખ્ય કારણ?

યુજીસી દ્વારા ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો 2026’ (Promotion of Equity in Higher Education Institutions Regulations, 2026) બહાર પાડવામાં આવ્યા છે. આ હેઠળ ચાર મુખ્ય આદેશો આપવામાં આવ્યા છે. (1) દરેક યુનિવર્સિટી અને કૉલેજમાં ઈક્વિટી કમિટી અને ઈક્વિટી સ્ક્વોડ્સની રચના કરવામાં આવશે. (2) તમામ સંસ્થાઓમાં ચોવીસ કલાક હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. (3) SC અને ST વર્ગના અભ્યાસીઓને સંસ્થામાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે. (4) જે સંસ્થાઓ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની માન્યતા રદ કરવામાં આવશે અથવા તેમના ફંડ પર રોક લગાવી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં પિટિશન

નોટિફિકેશનના નિયમ 3(C) હેઠળ યુજીસી પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ નિયમથી બિનઅનામત અભ્યાસીઓ અને શિક્ષકો સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થયો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેમાં કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, યુજીસીની નવી વ્યાખ્યામાં જ્ઞાતિ આધારિત ભેદભાવ માત્ર એસસી, એસટી અને ઓબીસી કેટેગરી સાથે જ થાય છે તેવું દર્શાવવામાં આવ્યું છે અને જનરલ કેટેગરીના ઉમેદવારોની અવગણના કરવામાં આવી છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે વાસ્તવમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ પણ જ્ઞાતિના આધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ