UGC Controversy : યુજીસીના નવા નોટિફિકેશન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે હવે આ વિવાદમાં કેન્દ્ર સરકારે એન્ટ્રી કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરીને તમામ ઉમેદવારોને ખાતરી પણ આપી છે કે, આ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશે.
UGC વિવાદ અંગે કેન્દ્ર સરકારે શું કહ્યું?
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું એક વાત ખૂબ જ નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે નહીં અને કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. કોઈને પણ કાયદાનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં, પછી તે યુજીસી હોય, ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ તેમની જવાબદારી રહેશે. હું આશ્વાસન આપું છું કે, જે પણ વ્યવસ્થા કરાઈ છે તે બંધારણના દાયરામાં જ હશે. આ વિષય સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની વ્યવસ્થા છે, તેથી કોઈની પણ સાથે ભેદભાવ કે અત્યાચાર કરવામાં આવશે નહીં તેવી હું અપીલ અને ખાતરી કરું છું.'
શું છે વિવાદનું મુખ્ય કારણ?
યુજીસી દ્વારા ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમો (Promotion of Equity in Higher Education Institutions Regulations, 2026) નક્કી કરાયા છે, જે અંતર્ગત મુખ્ય ચાર આદેશ અપાયા છે. આ નિયમો સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આ વિરોધ કરનારામાં મુખ્યત્વે સામાન્ય શ્રેણી (General Category) ના વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક સંગઠનો છે. આ વિરોધ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે.
1. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓની બાદબાકી: નવા નિયમોમાં 'જાતિ આધારિત ભેદભાવ'ની વ્યાખ્યા માત્ર SC, ST અને OBC સુધી મર્યાદિત હોવાનો આક્ષેપ છે. આ નિયમોના વિરોધીઓનું કહેવું છે કે આનાથી સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ અન્યાયના કિસ્સામાં રક્ષણથી વંચિત રહી જશે અને આ નિયમો ભેદભાવ દૂર કરવાને બદલે વધારશે.
2. ખોટી ફરિયાદો સામે રક્ષણનો અભાવ: આ ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદો કરનારા સામે સજાની જોગવાઈ હતી, જે હવે હટાવી લેવાઈ છે. તેનાથી એવી દહેશત છે કે નિર્દોષ વિદ્યાર્થીઓ કે ફેકલ્ટીને નિશાન બનાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે.
3. અસ્પષ્ટ વ્યાખ્યાઓ: 'ભેદભાવ' (Discrimination) ની વ્યાખ્યામાં 'પરોક્ષ' અથવા 'અર્ધજાગૃત' (implicit) વર્તનને પણ સામેલ કરાયું છે. આ નિયમના ટીકાકારોનું કહેવું છે કે આ શબ્દો ખૂબ જ અસ્પષ્ટ છે અને તેનો અર્થઘટન ગમે તે રીતે કરીને કોઈને પણ ફસાવી શકાય છે.
4. કેમ્પસમાં અશાંતિનો ડર: કેટલાક લોકો આ નિયમોને 'કાળો કાયદો' ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે 24 કલાકની હેલ્પલાઇન અને 'ઈક્વિટી સ્ક્વોડ' (Equity Squad) જેવી વ્યવસ્થાઓથી કેમ્પસમાં દેખરેખ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થશે, જેનાથી સામાજિક સૌહાર્દ જોખમાશે.
5. બંધારણીય પડકાર: આ મામલો સુપ્રીમ કોર્ટ માં પણ પહોંચ્યો છે. અરજદારોનો દાવો છે કે આ નિયમો બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન કરે છે કારણ કે તે રક્ષણ આપવામાં ભેદભાવ રાખે છે.
જો કે, આ તમામ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉમેદવારોને ખાતરી આપી છે કે, આ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ નહીં થાય અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ
નોટિફિકેશનના નિયમ 3(C) હેઠળ યુજીસી પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ નિયમથી બિનઅનામત ઉમેદવારો અને શિક્ષકો સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થયો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેમાં કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, યુજીસીની નવી વ્યાખ્યામાં જ્ઞાતિ આધારિત ભેદભાવ માત્ર એસસી, એસટી અને ઓબીસી કેટેગરી સાથે જ થાય છે તેવું દર્શાવવામાં આવ્યું છે અને જનરલ કેટેગરીના ઉમેદવારોની અવગણના કરવામાં આવી છે. આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે વાસ્તવમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ પણ જ્ઞાતિના આધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


