Get The App

બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ: વિપક્ષની ચર્ચા કરવાની માંગ કેન્દ્રએ ફગાવી

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ: વિપક્ષની ચર્ચા કરવાની માંગ કેન્દ્રએ ફગાવી 1 - image


Budget 2026, All Party Meet : સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલા મંગળવારે (27 જાન્યુઆરી) એક મહત્ત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 39 પક્ષોના 51 જેટલા નેતાઓએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ જી-રામ-જી કાયદો અને SIR જેવા વિવાદાસ્પદ મુદ્દા પર ગૃહમાં ફરીથી વિગતવાર ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે, સરકારે આ માંગને સ્પષ્ટપણે નકારી દીધી છે, જેના કારણે વિપક્ષને વાંધો પડ્યો છે.

G RAM G અને SIR પર ચર્ચા કરવાનો ઈન્કાર

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, ‘આ બંને મુદ્દા પર અગાઉ સંસદમાં પૂરતી ચર્ચા થઈ ચૂકી છે. એકવાર જ્યારે કોઈ કાયદો દેશ સામે આવી જાય છે, ત્યારે આપણે તેનું પાલન કરવું જોઈએ અને હવે ગિયર રિવર્સ કરીને પાછળ જઈ શકાય તેમ નથી. બજેટ સત્ર દરમિયાન તમામ ચર્ચાઓ માત્ર બજેટ પર જ કેન્દ્રિત રહેવી જોઈએ, કારણ કે સંસદીય પ્રણાલીમાં આ જ પરંપરા રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન વિપક્ષ પાસે અનેક મુદ્દા પર બોલવાની તક હશે અને સરકાર તેમને સાંભળવા તૈયાર છે, પરંતુ વિપક્ષે હંગામો કરીને ગૃહ છોડી ભાગી જવું જોઈએ નહીં.’

આ પણ વાંચો : UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કેન્દ્ર સરકારે કહ્યું, ‘કોઈની પણ સાથે ભેદભાવ નહીં થાય’

વિપક્ષે બેઠકમાં અનેક વાંધા ઉઠાવ્યા

સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે અનેક સળગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના જયરામ રમેશ અને CPMના જોન બ્રિટાસે સરકારી કામકાજની યાદી અગાઉથી ન આપવા બદલ વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત વિપક્ષી સભ્યોએ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ, વિદેશ નીતિ, વાયુ પ્રદૂષણ અને અર્થતંત્રની વર્તમાન હાલત પર ચર્ચાની માંગ કરી હતી.

બેઠકમાં UGC વિવાદનો મુદ્દો પણ ચર્ચાયો

નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે યુજીસીની નવી ગાઈડલાઈનનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ‘આ મુદ્દે થઈ રહેલા વિરોધ પાછળ રાજકીય કારણો જવાબદાર છે. સરકારે વિપક્ષને ખાતરી આપી છે કે તેઓ નિયમ મુજબ બજેટ પરની ચર્ચા દરમિયાન પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે.’

બુધવારથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર

ઉલ્લેખનીય છે કે, બુધવારથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ યોજાશે. ત્યારબાદ ગુરુવારે આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે અને પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે. 

આ પણ વાંચો : અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ! EU સાથે મોટી ડીલ કરી ટેરિફ ઝીંકનારા ટ્રમ્પને મેસેજ