ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, 'ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું'
Maharashtra News : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે (11 ઑગસ્ટે) ભાજપ નેતાનો ઉલ્લેખ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે ભાજપ નેતાનું નામ આપ્યા વગર કહ્યું કે, જ્યારે અમારી પાર્ટી ભાજપ સાથે ગઠબંધનમાં હતી, ત્યારે ભાજપના જ એક નેતાએ મને કહ્યું હતું કે, ઈવીએમ કેવી રીતે હેક થાય છે. જોકે હવે તે નેતા પદ પર નથી, પરંતુ હજુ પણ તેઓ ભાજપમાં છે.
ભ્રષ્ટ નેતાઓ પાસેથી જવાબ માંગતા પ્રજા રસ્તા પર ઉતરી : ઉદ્ધવ
શિવસેના યુબીટી (Shiv Sena UBT) દ્વારા ભ્રષ્ટાચારના વિરોધમાં દેખાવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘શિવસેના યુબીટી દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં દેખાવો કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટ નેતાઓ પાસે જવાબ માંગવા માટે પ્રજા રસ્તા પર ઉતરી હતી. અમે તમામ પુરાવા મુખ્યમંત્રી અને રાજ્યપાલને આપ્યા છે, પરંતુ કોઈપણ સાંભળવા તૈયાર નથી. આ સરકારની અક્ષમતા દર્શાવે છે.’
દિલ્હીમાં દેખાવો અંગે ઠાકરેએ શું કહ્યું ?
વિપક્ષના સાંસદોએ આજે સંસદથી ચૂંટણી પંચ(Election Commission)ની ઑફિસ સુધી પદયાત્રા યોજવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારે હલ્લાબોલ થયું હતું, વિપક્ષના અનેક સાંસદો રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા તો કેટલાક સાંસદો બેરિકેડ પર ચઢીને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે તમામ સાંસદોને કસ્ટડીમાં લઈને સંસદ માર્ગે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પછી તેઓને છોડી મૂક્યા હતા. ત્યારે આ મામલે ઠાકરેએ કહ્યું કે, ‘અમે જવાબ માંગવા માટે જઈ રહ્યા હતા, પરંતુ અમારા લોકોને કસ્ટડીમાં લઈ લેવાયા, જે લોકશાહી પર ધબ્બો છે, સરકારે આજે કલંક લગાવ્યું છે.’
શું ચૂંટણી કમિશ્નર સુપ્રીમ કોર્ટ કરતાં મોટા છે - ઉદ્ધવ
ઠાકરેએ વધુમાં કહ્યું કે, ‘બિહારમાં મતદારોના નામ કાપવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પણ ચૂંટણી પંચનું નામ લેવા માટે તૈયાર નથી. શું ચૂંટણી કમિશ્નર સુપ્રીમ કોર્ટ કરતાં મોટા છે? હવે અમે જોઈશું કે, સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરે છે? ભાજપે વોટની ચોરી કરી છે, જે હવે ઉજાગર થઈ રહી છે. હવે મતદારોને કહેવામાં આવે છે કે, તેઓ પોતાની ઓળખ બતાવે. આ એક પ્રકારની લૂંટ જ છે.’
આ પણ વાંચો : ‘નેશનલ સ્પોર્ટ્સ બિલ’ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં, જાણો શું અસર થશે