VIDEO : ‘તે મારો ડેટા નથી તેથી...', સોગંદનામા પર સહી ન કરવા અંગે ચૂંટણી પંચને રાહુલ ગાંધીનો જવાબ
Rahul Gandhi - Election Commission : કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષના સાંસદોએ આજે સંસદથી ચૂંટણી પંચની ઑફિસ સુધી પદયાત્રા યોજવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવીને કસ્ટડીમાં લઈ લીધા હતા. ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે, મતદાર યાદીમાં સુધારો કરવા માટે શરુ કરવામાં આવેલી એક ખાસ ઝુંબેશ અને વોટ ચોરી મામલે આ વિરોધ કર્યો હતો. પદયાત્રામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિપક્ષના અનેક સાંસદો સામેલ હતા.
ચૂંટણી પંચનો ડેટા છે, મારો નથી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી પદયાત્રા કરતા હતા, ત્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે, ચૂંટણી પંચે તમને નોટિસનો જવાબ આપવા કહ્યું છે અને તમે જવાબ આપી રહ્યા નથી... તો રાહુલે કહ્યું કે, ‘આ ચૂંટણી પંચનો ડેટા છે, તે મારો ડેટા નથી જેના પર હું સહી કરી શકું, અમે તમને જ આપ્યો છે, તમે તમારી વેબસાઇટ પર નાખી દો, તમામને ખબર પડી જશે. આવું માત્ર બેંગલુરુમાં જ નહીં, દેશના જુદા જુદા મત વિસ્તારોમાં પણ થયું છે. ચૂંટણી પંચ જાણે છે કે, તેમનો ડેટા ફાટશે, તેથી તેઓ તેને કંટ્રોલ કરવાનો અને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
ચૂંટણી પંચે રાહુલને મોકલી નોટિસ
વાસ્તવમાં રાહુલ ગાંધીએ કર્ણાટકની મતદાર યાદીમાં ગોટાળા થયો હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ ચૂંટણી પંચે રાહુલને પત્ર પાઠવી કહ્યું છે કે, ‘તમે મતદારોના નામ, સરનામું અને ઓળખ પત્રમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કર્યો છે, તેના પુરાવા રજૂ કરે અથવા શપથપત્ર પર હસ્તાક્ષર કરો. જો તમે આવું ન કરી શકતા હોવ તો તમારું નિવેદન પાછું લો અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.’
સંસદ પાસે વિપક્ષોનું હલ્લાબોલ
વિપક્ષના સાંસદોએ આજે સંસદથી ચૂંટણી પંચની ઑફિસ સુધી પદયાત્રા યોજવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારે હલ્લાબોલ થયું હતું, વિપક્ષના અનેક સાંસદો રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા તો કેટલાક સાંસદો બેરિકેડ પર ચઢીને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે તમામ સાંસદોને કસ્ટડીમાં લઈને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પછી તેઓને છોડી મૂક્યા હતા.