‘નેશનલ સ્પોર્ટ્સ બિલ’ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં, જાણો શું અસર થશે
Parliament : લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક (National Sports Bill) અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક (Anti-doping Amendment Bill) પસાર કરાયા છે. નેશનલ સ્પોર્ટ્સ બિલના દાયરામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)નો પણ સમાવેશ કરાયો છે. યુવા કાર્ય અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)એ 11 ઑગસ્ટે આ બંને બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. આ બંને બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ભવિષ્યમાં રમતોની મહાશક્તિ બનાવવાનો છે.
રાષ્ટ્રીય રમતગમત વિધેયક
- ઉદ્દેશ્ય : આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તમામ રમતોના સંચાલનને નિયંત્રિત કરવાનો છે. તેનાથી દેશમાં રમતગમતમાં વધુ પારદર્શિતા અને જવાબદારી આવશે.
- નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ (NSB) : આ વિધેયક પસાર થયા બાદ નેશનલ સ્પોર્ટ્સ બોર્ડની રચના કરવામાં આવશે, જે BCCI સહિતના તમામ રમતગમત મહાસંઘો પર નજર રાખશે.
- BCCI પર અસર : લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ થવા જઈ રહ્યો છે, જેના કારણે BCCIએ પણ રાષ્ટ્રીય રમત સંઘ તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- નવા ટ્રિબ્યુનલનું ગઠન : આ બિલ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની પણ રચના કરવામાં આવશે, જેને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ હશે. આ ટ્રિબ્યુનલ પસંદગી પ્રક્રિયા અને ચૂંટણી સંબંધિત વિવાદોનું નિવારણ લાવશે. તેના નિર્ણયો વિરુદ્ધ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ અપીલ કરી શકાશે.
- ઉંમરમાં છૂટછાટ : આ બિલ વહીવટકર્તાઓ માટેની ઉંમર મર્યાદામાં રાહત આપે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાની મંજૂરી મળવા પર 70થી 75 વર્ષની ઉંમરના વ્યક્તિઓ પણ રમતગમત સંઘોની ચૂંટણી લડી શકશે.
- રોજર બિન્નીને લાભ : આ જોગવાઈથી હાલના BCCI અધ્યક્ષ રોજર બિન્નીને ફાયદો થશે, કારણ કે તેઓ 19 જુલાઈના રોજ 70 વર્ષના થયા છે. આનાથી તેઓ પોતાના પદ પર બની રહી શકે છે.
- RTIમાંથી BCCIને મુક્તિ : બિલના પ્રારંભિક મુસદ્દામાં BCCIને RTI(માહિતી અધિકાર)ના દાયરામાં લાવવાની જોગવાઈ હતી, પરંતુ BCCI કેન્દ્ર સરકારના ફંડ પર નિર્ભર ન હોવાથી આ ક્લોઝ હટાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : નવું ઈન્કમ ટેક્સ લોકસભામાંથી પસાર, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ
ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક
- WADAની ભલામણો : આ બિલ WADA(વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી)ના વાંધાઓને દૂર કરીને સંશોધિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. 2022માં આ બિલ પસાર થયું હતું, પરંતુ WADAના વાંધાઓને કારણે તે લાગુ થઈ શક્યું ન હતું.
- નવા સુધારા : અગાઉ, બિલમાં એક બોર્ડની રચના કરવાની વાત હતી જેને NADA (નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી) પર દેખરેખ રાખવાનો અધિકાર હતો. WADAએ આને સરકારી હસ્તક્ષેપ ગણાવ્યો હતો.
- નવો સુધારો : સુધારેલા બિલમાં આ બોર્ડને જાળવી રાખવામાં આવ્યું છે, પરંતુ તેને હવે NADA પર દેખરેખ રાખવાનો કે તેને નિર્દેશ આપવાનો અધિકાર નથી. આ સુધારેલા બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે NADA સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરી શકશે.