મણિપુરમાં હિંસાના બે વર્ષ પૂર્ણ: અનેક જિલ્લામાં શાળા અને દુકાનો બંધ, રાષ્ટ્રપતિ શાસન બાદ કેટલી બદલાઈ પરિસ્થિતિ?
Image Twitter |
Two years of Violence in Manipur complete: મણિપુરના ઈન્ફાલ ઘાટીમાં શનિવારે સામાન્ય જન જીવન પૂરી રીતે ઠપ રહ્યું હતું, કારણ કે, વિવિધ સંગઠનોએ 3 મે 2023ના રોજ ફાટી નીકળેલી જાતિય હિંસાને બે વર્ષ પૂરા થયા પર 'સિન્થા લેપ્પા'નું આહ્વાન કર્યું હતું, એટલે કે, દૈનિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કર્યો હતો.
સ્કૂલો અને દૂકાનો બંધ રહ્યા
શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ દિવસભર બંધ રહ્યા હતા. આ ઉપરાંત જાહેર પરિવહન સેવાઓ પણ ઠપ્પ રહી હતી, રસ્તા પર એકાદ-બે ખાનગી વાહનો જોવા મળતા હતા. કોઈ પણ સંભવિત અશાંતિને જોતા રાજધાનીના મહત્ત્વપૂર્ણ સ્થાનો પર સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી
ખુમાન લમ્પક સ્ટેડિયમ ખાતે 'મણિપુર પીપલ્સ કન્વેન્શન'નું આયોજન કરી રહેલી કોઓર્ડિનેશન કમિટી ફોર યુનિટી ઇન મણિપુર (COCOMI) એ લોકોને અપીલ કરી હતી કે, તેમની રોજિંદી પ્રવૃત્તિઓ બંધ કરીને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપે.
લોકોએ કામનો બહિષ્કાર કર્યો
આ કાર્યક્રમનું આયોજન રાજ્યમાં ચાલી રહેલા સંકટ પર ચિંતન કરવા અને હિંસાથી અસરગ્રસ્ત લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. દિવસભરના કાર્યક્રમ તરીકે સાંજના સમયે કાંગલા નોંગપોક થોંગ ખાતે મીણબત્તી પ્રગટાવીને હિંસામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય
ચુરાચંદપુર અને કાંગપોક્પી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી, ત્યા પણ જનજીવન ખોરવાયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ જિલ્લાઓમાં પણ તમામ શૈક્ષણિક અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહ્યા હતા. 'સિન્થા લેપ્પા' ના આહ્વાનને લોકો તરફથી વ્યાપક પ્રમાણમાં સમર્થન મળ્યું છે, જે દર્શાવે છે કે બે વર્ષ પહેલાં રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાના ઘા હજુ પણ લોકોના હૃદયમાં તાજા છે.