પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, તમામ ટપાલ અને કુરિયર સર્વિસ પર ભારત સરકારે રોક લગાવી
India suspend exchange of mail and parcels from Pakistan: પહલગાવ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર આક્રમક વલણ અપનાવી રહી છે. તાજેતરમાં જ વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે. આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય
પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરોના પ્રવેશ પર પ્રતિબંધ
ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાં દરેક પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો અને પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતીય બંદરો પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે પોસ્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા પાકિસ્તાનથી આવતી દરેક પ્રકારની ટપાલ અને પાર્સલના આદાન- પ્રદાનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.'
પાકિસ્તાન સાથે ટપાલ સેવાઓનો ઇતિહાસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટપાલ સેવાઓનું આદાન-પ્રદાન લાંબા સમયથી મર્યાદિત સ્તરે ચાલુ હતું. જોકે, ઓગસ્ટ 2019 માં જમ્મુ - કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી પાકિસ્તાને થોડા સમય માટે ટપાલ સેવાઓ સ્થગિત કરી હતી. જે બાદમાં ત્રણ મહિના પછી ફરી શરુ કરવામા આવી હતી. પરંતુ હવે, ભારત સરકારે હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ પોસ્ટલ અને પાર્સલ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આનાથી શું અસર થશે
ભારત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને સ્થગિત કરતાં બંને દેશો વચ્ચે પત્રવ્યવહાર, વ્યવસાયિક ટપાલ અને વ્યક્તિગત પાર્સલનું આદાનપ્રદાન સંપૂર્ણપણે બંધ થઈ જશે. નિષ્ણાતો માનવું છે કે તેની સૌથી વધુ અસર એ લોકો પર પડશે, જેઓ બંને દેશો વચ્ચેના કૌટુંબિક અથવા વ્યવસાયિક પત્રવ્યવહાર પર આધાર રાખતાં હતા. આ સિવાય આ પગલાથી પાકિસ્તાનના અર્થતંત્ર પર પણ અસર પડી શકે છે, કારણ કે ભારતમાંથી આયાત કરાયેલા કેટલાક માલનું પરિવહન ટપાલ સેવાઓ દ્વારા કરવામાં આવતું હતું.