એક જ દિવસમાં બે સ્ટુડન્ટના આપઘાત, IIT ખડગપુરમાં વિદ્યાર્થીએ તો શારદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ જીવ ટૂંકાવ્યો
Crime News: છેલ્લાં ઘણાં સમયથી વિદ્યાર્થીઓના આપઘાતના કેસમાં વધારો થઈ રહ્યો છે. એવામાં એક જ દિવસમાં બે રાજ્યમાંથી અલગ-અલગ આપઘાતના કેસ સામે આવ્યા છે. જેમાં ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બીડીએસ કોર્સની એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યાં બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં બીટેકના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા રીતમ મંડળે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં બીડીએસ કોર્સની એક વિદ્યાર્થિની દ્વારા કથિત ફાંસી લગાવીને આપઘાત કરવાનો કેસ સામે આવ્યો છે. આપઘાત પહેલાં વિદ્યાર્થિની દ્વારા લખવામાં આવેલી એક સ્યુસાઇડ નોટમાં બે શિક્ષકો દ્વારા હેરાન અને અપમાનિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ મામલે FIR દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થિનીના પરિજનો અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીઓમાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના સ્ટાફ પર વિદ્યાર્થિનીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થિનીનો આપઘાત
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગુરૂગ્રામની રહેવાસી 21 વર્ષીય વિદ્યાર્થિની જ્યોતિ શારદા યુનિવર્સિટીથી બીડીએસનો અભ્યાસ કરી રહી હતી. શુક્રવારે રાત્રે વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ફાંસો લગાવીને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થિનીના રૂમની તપાસ કરતા ત્યાંથી એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી, જેમાં યુનિવર્સિટીના સ્ટાફ પર આરોપ લગાવવામાં આવ્યા હતા. સ્યુસાઇડ નોટમાં લખ્યું કે હતું કે, 'મારી મોતના જવાબદાર મહેન્દ્ર સર અને શાર્ગ મેમ છે. તેમણે મને માનસિક રીતે હેરાન કરી અને અપમાનિત કરી.'
પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીનો આપઘાત
બીજી બાજું પશ્ચિમ બંગાળના ખડગપુર IITમાં બીટેકના ચોથા વર્ષના વિદ્યાર્થી રીતમ મંડલે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં તેના રૂમમાંથી કોઈ સ્યુસાઇટ નોટ મળી આવી નથી. આ સિવાય તેના હોસ્ટેલ તેમજ સાથે અભ્યાસ કરતા મિત્રોએ પોલીસે પૂછપરછ કરી તો તેમાં પણ કોઈ અસામાન્ય વર્તન નોંધાયું નથી. હાલ, પોલીસે આ મામલે આપઘાતનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઉત્તર પ્રદેશમાં પોલીસે આ મામલે સ્યુસાઇડ નોટના આધારે યુનિવર્સિટીના સ્ટાફ સામે ફરિયાદ દાખલ કરી છે અને સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવેલા બે વ્યક્તિની ધરપકડ કરી છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને પરિજનોના આક્રોશને પોલીસે શાંત કરી મામલો થાળે પાડ્યો છે. હાલ ઘટનાસ્થળે સ્થિતિ શાંત છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.