India

બે સગી બહેનોનો બાળકો સાથે આપઘાત, મધ્યપ્રદેશમાં 6 લોકોના મોતની હચમચાવતી ઘટના

By GS Team
29 Oct 20263 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક જ દિવસમાં બે હૃદયદ્રાવક ઘટનાઓથી હાહાકાર મચી ગયો છે. અહીં બે સગી બહેનોએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. પ્રથમ ઘટનામાં 35 વર્ષીય અંજલિ રાવતે પોતાના 6 વર્ષના પુત્ર સાથે કૂવામાં કૂદી જીવ ગુમાવ્યો. ત્યારબાદ તેની મોટી બહેન સીતા રાવતે પણ 3 બાળકો સાથે આત્મહત્યા કરી. પોલીસે બંને કેસમાં તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે સગી બહેનોનો બાળકો સાથે આપઘાત, મધ્યપ્રદેશમાં 6 લોકોના મોતની હચમચાવતી ઘટના

Shivpuri Two Sisters Death News : મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક જ દિવસમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનાઓમાં બે સગી બહેનો અને તેમનાં ચાર બાળકોનાં મોત થયાં છે. બંને બહેનોએ અલગ-અલગ સ્થળે કૂવામાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે. પ્રથમ ઘટનામાં આઠ મહિનાની ગર્ભવતી મહિલાનું તેના છ વર્ષના પુત્ર સાથે મોત થયું હતું. ત્યારબાદ થોડા કલાકોમાં તેની મોટી બહેનનું પણ ત્રણ બાળકો સાથે મોત થયું હતું. બંને ઘટનાઓમાં કુલ છ લોકોનાં મોત થયાં છે, જ્યારે ગર્ભમાં રહેલા શિશુએ પણ જીવ ગુમાવ્યો છે. પોલીસ બંને બનાવોની તપાસ કરી રહી છે.

પતિના મોત બાદ આઘાતમાં હતી અંજલિ

પ્રથમ ઘટના બુધવારે બપોરે બૈરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂંગરગાંવમાં બની હતી. અહીં રહેતી 35 વર્ષીય અંજલિ રાવત આઠ મહિનાની ગર્ભવતી હતી. તેણે પોતાના છ વર્ષના પુત્ર પ્રશાંત સાથે ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં અંજલિ અને તેના પુત્રનું મોત થયું હતું. અંજલિના ગર્ભમાં રહેલા શિશુનું પણ મૃત્યુ થયું હતું. અંજલિના પતિ ધરમવીરનું આશરે એક મહિના પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, પતિના અચાનક થયેલા મોત બાદ અંજલિ ઊંડા આઘાતમાં હતી.

પરિવાર તાત્કાલિક પહોંચ્યો

અહેવાલ મુજબ, ઘટનાના સમયે અંજલિ પોતાની દીકરીને પણ કૂવા પાસે લઈ ગઈ હતી. જોકે, મોટી દીકરીએ માતાનો હાથ છોડાવીને ત્યાંથી ભાગીને ઘરે પહોંચી પરિવારને જાણ કરી હતી. પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં અંજલિ અને તેના પુત્રનું મોત થઈ ચૂક્યું હતું.

થોડા કલાકોમાં મોટી બહેને પણ બાળકો સાથે જીવ ગુમાવ્યો

પ્રથમ ઘટનાના થોડા કલાકો બાદ અંજલિની મોટી બહેન સીતા રાવતે પણ પોતાના ત્રણ બાળકો સાથે જીવ ગુમાવ્યો હતો. 40 વર્ષીય સીતા કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારના સેસઈ ગામમાં રહેતી હતી. બુધવારે બપોરે સીતા પોતાનાં બાળકો રાખી (14), પ્રિયંકા (11) અને શ્લોક (6) સાથે ખોંખર ગામના ખેતરમાં ગઈ હતી. સાંજે આશરે 6 વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો ખેતરમાં પહોંચ્યા ત્યારે કૂવા પાસે સીતા અને બાળકોના ચંપલો મળી આવ્યા હતા. કૂવામાં તપાસ કરતાં પાણીમાં એક બાળકનો મૃતદેહ દેખાયો હતો. ત્યારબાદ પોલીસ અને ગ્રામજનોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ સીતા અને ત્રણેય બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

બંને ગામોમાં શોકનો માહોલ

એક જ દિવસમાં બે સગી બહેનો અને ચાર બાળકોનાં મોતથી બંને ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે બંને કેસમાં મર્ગ નોંધ્યા છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બંને બહેનોએ આ પગલું શા માટે ભર્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતીમાં અંજલિના પતિના મોત બાદ તે આઘાતમાં હોવાની વાત સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ પાછળ અન્ય કોઈ પારિવારિક કારણ હતું કે નહીં તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.