Get The App

'છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી...', ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
'છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી...', ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક 1 - image

Twisha Sharma Death Case: મધ્ય પ્રદેશ ભોપાલના હાઈ-પ્રોફાઈલ ટ્વિશા શર્મા મૃત્યુ કેસ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. આજે સોમવારે (25 મે, 2026) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે,-'છૂટાછેડા લીધેલી દીકરી મરી ગયેલી દીકરી કરતાં વધુ સારી હોય છે. તેમણે ટ્વિશા શર્માના પરિવાર પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમણે સમય રહેતા દીકરીની ફરિયાદો પર ધ્યાન આપવું જોઈતું હતું.'

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચ સમક્ષ મધ્યપ્રદેશ સરકાર તરફથી SG(સોલિસિટર જનરલ) તુષાર મહેતા હાજર થયા, જ્યારે આરોપી પરિવારનો પક્ષ સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવેએ રજૂ કર્યો. જ્યારે ટ્વિશા શર્માના પીડિત પરિવાર વતી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરા હાજર રહ્યા હતા.

'પોતાની પુત્રવધૂને બદનામ કરનારા નિવેદનો'

લાઈવ લોના રિપોર્ટ મુજબ, SG તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન ટ્વિશાના સાસુ અને પૂર્વ જિલ્લા જજ ગિરિબાલા સિંહ દ્વારા ટીવી ચેનલો પર ઈન્ટરવ્યૂ આપવા, પોતાની પુત્રવધૂને બદનામ કરવાનો પ્રયાસ કરવા અને તપાસમાં સહકાર ન આપવાની દલીલો કરી હતી. જ્યારે સિદ્ધાર્થ દવેએ મીડિયા અહેવાલો અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે CRPCની કલમ 164 હેઠળ નોંધાયેલું આખું નિવેદન આજના અખબારમાં છપાયું છે, ત્યારે એસજી તુષાર મહેતાએ કહ્યું, 'અને ખુદ ટ્વિશાના સાસુ અને પૂર્વ જિલ્લા જજ ગિરિબાલા સિંહ અલગ-અલગ ચેનલો પર જઈને ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે અને પોતાની પુત્રવધૂને બદનામ કરનારા નિવેદનો આપી રહ્યા છે.'

'કોઈ પણ નેરેટિવ ઘડવાની વિરુદ્ધ છીએ': ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા

CJI સૂર્યકાંતે સિદ્ધાર્થ દવેની દલીલો પર કહ્યું કે અમે કોઈ પણ નેરેટિવ ઘડવાની વિરુદ્ધ છીએ, એટલા માટે જ CBIને તપાસ સોંપવામાં આવી છે. તેમને પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો છે. સાથે જ તેમણે મીડિયાને જવાબદારીપૂર્વક પોતાનું કામ કરવા, કોઈ પક્ષના નિવેદન પર દાવા ન કરવા અને પક્ષકારોના મિત્રો તેમજ સંબંધીઓ સાથે વાત ન કરવાની અપીલ કરી છે.

'સાસુએ તપાસમાં સહકાર આપ્યો નથી'

SG તુષાર મહેતાએ કોર્ટને એ પણ જણાવ્યું કે ઘણી વખત ગિરિબાલા સિંહનું નિવેદન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ આનાકાની કરી રહ્યા છે. સાસુએ તપાસમાં સહકાર આપ્યો નથી. ગિરિબાલાના વકીલે તેનો વિરોધ કર્યો અને કહ્યું, 'આ ખોટું છે. આવી વાત અહીં ન કરવી જોઈએ. તેમણે નિવેદન રેકોર્ડ કરાવ્યું છે.'

બીજું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું!

ટ્વિશા શર્માના પીડિત પરિવાર વતી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરા હાજર થયા અને તેમણે કોર્ટને જણાવ્યું કે ઘટનાના ત્રણ દિવસ પછી FIR નોંધવામાં આવી, પુરાવાઓને સુરક્ષિત રાખવામાં પણ બેદરકારી દાખવવામાં આવી. તેમણે કહ્યું કે ગિરિબાલા સિંહ પોતે જ પોતાનો કોલ ડેટા રેકોર્ડ રજૂ કરી રહ્યા હતા, જેની મંજૂરી નથી. એસજી તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર દિલ્હી એમ્સની ટીમે ટ્વિશાનું બીજું પોસ્ટમોર્ટમ રવિવારે કરી લીધું છે.

આ પણ વાંચો: દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો

ડેટિંગ એપ પર મુલાકાત અને લગ્નનો કરુણ અંત

મહત્વનું છે કે એમબીએ (MBA) ગ્રેજ્યુએટ ટ્વિશા શર્મા વર્ષ 2024માં ડેટિંગ એપ દ્વારા ભોપાલના એડવોકેટ સમર્થ સિંહને મળી હતી. બંનેએ ડિસેમ્બર 2025માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ ટ્વિશાનું જીવન નરક બની ગયું હતું. મંગળવાર, 12 મેના રોજ ભોપાલમાં પતિના ઘરેથી ટ્વિશાની લાશ મળી આવી હતી.