તિરુપતિ મંદિરના લાડુમાં નકલી ઘી વિવાદ વચ્ચે હિન્દુત્ત્વની રક્ષા માટે સનાતન ધર્મ પરીક્ષણ બોર્ડની રચવા માગ

Tirupati Laddu Row : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવતું ભેળસેળયુક્ત નકલી ઘીના વિવાદ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના રક્ષણ માટે સનાતન ધર્મ પરીક્ષણ બોર્ડની સ્થાપના કરવાનું આવાહ્ન કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મંગળવારે શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં પવન કલ્યાણે કહ્યું કે, 'સનાતનવાદીઓની લાગણીઓ અને પ્રથાઓની મજાક ઉડાવવામાં આવી રહી છે અને તેમને નબળી પાડવામાં આવી રહી છે, જેનાથી ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ ઘટી રહ્યો છે.'
નાયબ મુખ્યમંત્રીએ લખ્યું, 'વૈશ્વિક હિન્દુ સમુદાય માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એક તીર્થસ્થાન કરતાં ઘણું વિશેષ છે. આ એક પવિત્ર આધ્યાત્મિક પ્રવાસ છે. તિરુપતિ લાડુ માત્ર કોઈ એક મીઠાઈ નથી; આ એક સહિયારી ભાવના છે. અમે તેને મિત્રો, પરિવાર અને અજાણ્યાઓ સાથે સમાન રીતે શેર કરીએ છીએ, કારણ કે, તે આપણી સામૂહિક શ્રદ્ધા અને ઊંડા વિશ્વાસનું પ્રતીક છે.'
વર્ષે આશરે 25 મિલિયન ભક્તો તિરુમાલાની મુલાકાત લે છે
તેઓએ આગળ લખ્યું છે કે, 'સરેરાશ, દર વર્ષે આશરે 25 મિલિયન ભક્તો તિરુમાલાની મુલાકાત લે છે, અને જ્યારે સનાતનવાદીઓની ભાવનાઓ અને પ્રથાઓની મજાક ઉડાવવામાં આવે છે, અથવા તેમને તુચ્છ ગણવામાં આવે છે, ત્યારે તે માત્ર દુઃખદાયક જ નથી; તે વિશ્વભરના લાખો લોકોની શ્રદ્ધા અને ભક્તિને પણ તોડી નાખે છે. ધર્મનિરપેક્ષતા બે-માર્ગી હોવી જોઈએ.'
તમામ હિસ્સેદારોની સંમતિથી બોર્ડની રચના
સનાતન ધર્મ માટે એક સંરક્ષણ સંસ્થાની સ્થાપના માટે હાકલ કરતા તેમણે કહ્યું કે, 'બોર્ડની રચના તમામ હિસ્સેદારોની સંમતિથી થવી જોઈએ. અમારી આસ્થાનું રક્ષણ અને સમ્માન સાથે સમાધાન કરી શકાતું નથી. આપણો સનાતન ધર્મ સૌથી પ્રાચીન અને નિરંતર વિકસતી સંસ્કૃતિઓમાંનો એક છે, અને હવે સમય આવી ગયો છે કે, તમામ હિસ્સેદારોની સંમતિથી સનાતન ધર્મ પરીક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવે.'
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા, ઉમરની બીજી કાર મળી આવી
5 વર્ષમાં 250 કરોડ રૂપિયાનું નકલી ઘી વપરાયું
આ ઉપરાંત અન્ય એક એક્સ પોસ્ટમાં તેમણે એક મીડિયાના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ' વર્ષ 2019 થી 2024 દરમિયાન તિરુપતિ લાડુમાં 250 કરોડ રૂપિયાના ભેળસેળિયા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મા રેડ્ડી ભેળસેળિયું ઘી કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ હાજર થયા પછી આ વાત સામે આવી છે. ભેળસેળયુક્ત ઘીની ખરીદી અંગે તેમની પૂછપરછ કરવામાં આવી હતી.'

