Get The App

દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા, ઉમરની બીજી કાર મળી આવી

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા, ઉમરની બીજી કાર મળી આવી 1 - image


Delhi Car Blast Case Update : દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં મોટી સફળતા મળી છે. ફરીદાબાદ પોલીસને લાલ રંગની ફોર્ડ ઈકોસ્પોર્ટ કાર (DL10CK0458) આગ્રા જિલ્લાના ખંદાવલી ગામ નજીકથી મળી આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, આ એજ કાર છે, જેના નામ પર દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઇઍલર્ટ જાહેર કર્યું હતું. કારને હાલ રાઉન્ડ અપ કરી લેવાઈ છે અને તેને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને તેની માહિતી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ કલરની I20 કાર ઉપરાંત શંકાસ્પદો પાસે એક લાલ રંગની ઈકોસ્પોર્ટ કાર પણ હતી. ત્યારબાદ પોલીસે એક લાલ રંગની ફોર્ડની EcoSport કારની શોધખોળ શરુ કરી હતી. આ કારનો રજિસ્ટ્રેશન નંબર DL10CK0458 છે અને તે ઉમર નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે.

ફોર્ડ ઈકોસ્પોર્ટ કાર પોલીસને મળી

આ કાર 22 નવેમ્બર 2017ના રોજ દિલ્હીના રાજૌરી ગાર્ડન RTOથી રજિસ્ટર્ડ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે આ કાર ઉમર ઉન નબી ઉર્ફ ઉમર મોહમ્મદના નામે ખરીદાઈ હતી. ઉમર એ જ વ્યક્તિ છે, જે દિલ્હી બ્લાસ્ટ મામલે મુખ્ય શંકાસ્પદમાં સામેલ છે. પોલીસ અનુસાર, ઉમર મોહમ્મદે આ કારની ખરીદી સમયે બનાવટી સરનામાનો ઉપયોગ કર્યો હતો. તેમણે ડૉક્યુમેન્ટ્સમાં નોર્થ ઈસ્ટ દિલ્હીના એક ઘરનું સરનામું આપ્યું હતું. દિલ્હી પોલીસે મોડી રાત્રે એ જ એડ્રેસ પર દરોડા પાડ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ વ્યક્તિ ન મળ્યો. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કારને ખંદાવલી ગામમાં કોણે અને ક્યારે છોડી.

ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પણ ઍલર્ટ હતું

દિલ્હી પોલીસની પાંચ ટીમોએ શંકાસ્પદ લાલ કારની શોધખોળ શરુ કરી હતી. દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ પોસ્ટ અને બોર્ડર ચેકપોઇન્ટ્સ પર આ લાલ રંગની કારને શોધવા માટે ઍલર્ટ અપાયું હતું. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ અને હરિયાણા પોલીસને પણ લાલ કાર અંગે ઍલર્ટ મોકલાયું હતું.

ઝડપાયેલા ડૉક્ટરો અંગે અલ ફલાહ યુનિવર્સિટીનું મોટું નિવેદન

બીજી તરફ આ કેસમાં અલ ફલાહ યુનિવર્સિટીનો ઉલ્લેખ થયો છે, ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ભૂપિન્દર કૌર આનંદે દુઃખ વ્યક્ત કરતાં સ્પષ્ટતા કરી છે કે, વિસ્ફોટના કેસમાં પકડાયેલા બે ડૉક્ટરો અને અન્ય મુખ્ય શંકાસ્પદો સાથે યુનિવર્સિટીનો કોઈ સંબંધ નથી, સિવાય કે આ લોકો સત્તાવાર ક્ષમતામાં યુનિવર્સિટીમાં કામ કરતા હતા.

દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા, ઉમરની બીજી કાર મળી આવી 2 - image

આ પણ વાંચો : ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતાં યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા

Tags :