ભારત-રશિયા વચ્ચે મોટી ડીલની તૈયારી ! રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિનની ભારત પ્રવાસની તારીખ જાહેર

Russian President Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની તારીખો સામે આવી છે. રિપોર્ટ મુજબ તેઓ પાંચ ડિસેમ્બરના રોજ ભારત આવી શકે છે. તેઓ ભારત આવીને સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ કરવાના હોવાની પણ વિગતો સામે આવી છે. રશિયન રોસકોંગ્રેસ ફાઉન્ડેશને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારત-રશિયા વચ્ચે સત્ર યોજવાનું આયોજન કર્યું છે, જેમાં પુતિન ભાગ લેવાના છે. ક્રેમલીને પણ કહ્યું છે કે, પુતિન ડિસેમ્બરમાં ભારત પ્રવાસ કરશે.
પુતિન પાંચમી ડિસેમ્બરે ભારત આવશે
રોસકોંગ્રેસે કહ્યું છે કે, પુતિન પાંચમી ડિસેમ્બરે ભારતની મુલાકાત લેશે. આ દરમિયાન પુતિન સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે ભાગીદારી વધારવા અંગે વાતચીત કરી શકે છે. તેઓ એર ડિફેન્સ સિસ્ટમ-S400 અને SU-57 ફાઇટર જેટ ખરીદી અંગે વાતચીત કરી શકે છે. આ પહેલા તેઓ ડિસેમ્બર-2021માં ભારત આવ્યા હતા.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ
ભારત-રશિયા વચ્ચે સુખોઈ-57 પર ડીલ થવાની સંભાવના
પુતિનની ભારત મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કારણ કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદનાર ભારત પર દબાણ વધારી રહ્યા છે, ત્યારે પુતિનના ભારત પ્રવાસ પર અમેરિકાની ખાસ નજર રહેશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ઑક્ટોબરમાં ફોન પર વાતચીત થઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે શ્રેષ્ઠ સંબંધો હોવા અંગે વાત થઈ હતી. દિલ્હીમાં પુતિન અને ભારતીય અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે. આ દરમિયાન ફાઇટર જેટ સુખોઈ-57ની ડીલ થવાની સંભાવના છે. ભારતીય વાયુસેનામાં ફાઇટર જેટની સંખ્યા વધારવાનો પ્રયાસ થશે.

