Get The App

તિરુપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરોડ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
તિરુપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરોડ 1 - image

Tirupati Temple Laddu Scam : તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં પ્રસાદ તરીકે અપાતા લાડુમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. સીબીઆઇ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમ દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ 2019થી 2024 વચ્ચે તિરુપતિ મંદિરને આશરે 68 લાખ કિલો નકલી ઘી પહોંચાડ્યું હતું. આ ઘીનું મૂલ્ય રૂ. 250 કરોડ જેટલું થવા જાય છે.

પાંચ વર્ષથી બનાવટી ઘીનો પુરવઠો પૂરો પડાતો હતો

CBIની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઉત્તરાખંડ સ્થિત ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ પાંચ વર્ષના લાંબા ગાળા(2019-2024) દરમિયાન TTDને આશરે 68 લાખ કિલોગ્રામ બનાવટી ઘીનો પુરવઠો આપ્યો હતો. આ નકલી ઘીની બજાર કિંમત લગભગ 250 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. SITએ ડેરીને કેમિકલની સપ્લાય કરનાર અજય કુમાર સુગંધની ધરપકડ કર્યા બાદ આ માહિતી આપી છે. 

દૂધના એક ટીપાં વગર જ બનાવ્યું 'દેશી ઘી'

રિપોર્ટ મુજબ, ડેરીના પ્રમોટરો પોમિલ જૈન અને વિપિન જૈને દૂધનું એક ટીપું પણ ખરીદ્યા વગર આ આખું કૌભાંડ આચર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ડેરીએ ક્યારેય સ્થાનિક દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ કે માખણની ખરીદી કરી ન હતી.

આ પણ વાંચો : લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, ટાઈમલાઈન માંગી

મોડસ ઓપરેન્ડી 

ડેરીએ અન્ય એક કંપનીના નામે દિલ્હી સ્થિત આયાતકારો પાસેથી મોટા પ્રમાણમાં ‘પામ ઓઇલ અને પામ કર્નલ ઓઇલ’ ખરીદ્યું હતું. ત્યારબાદ આ તેલને મોનોડિગ્લિસરાઇડ્સ, એસેટિક એસિડ એસ્ટર, લેક્ટિક એસિડ, બીટા કેરોટીન અને આર્ટિફિશિયલ ઘી એસેન્સ જેવા વિવિધ રસાયણો સાથે ભેળવીને 'નકલી દેશી ઘી' બનાવવામાં આવતું હતું. આ કૌભાંડને છુપાવવા માટે ડેરી પ્રમોટરોએ નકલી દૂધ ખરીદી અને ચૂકવણીના રૅકોર્ડ્સ પણ ઊભા કર્યા હતા. SITએ આ કેસમાં રસાયણો પૂરા પાડનાર એક મુખ્ય આરોપી અજય કુમાર સુગંધની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓ સામે તપાસ ચાલુ છે. ધાર્મિક સંસ્થાને આ રીતે છેતરવાના કૃત્યથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

નોંધનીય છે કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં નકલી ઘીનો મામલો ગયા વર્ષે સામે આવ્યો હતો. ત્યાર પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સીબીઆઇને તપાસ સોંપાઈ. બાદમાં આ કેસની તપાસ કરવા સીબીઆઇએ એક SITની રચના કરી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ! BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો