મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ! BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો

BMC Election 2025 : મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે જાહેરાત કરી છે કે, બીએમસીની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે.
હાઇકમાન્ડે મંજૂરી આપ્યા બાદ લેવાયો નિર્ણય
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) નાગપુરમાં સત્તાવાર કહ્યું છે કે, ‘અમારા સ્થાનિક નેતાઓએ અમારી પાર્ટીને એકલા આગળ વધવાની વિનંતી કરી છે. આ અંગે મેં હાઇકમાન્ડને વાત કરી હતી, તો હાઇકમાન્ડે અમને કહ્યું છે કે, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવે. મુંબઈ કોંગ્રેસમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, એકલા હાથે ચૂંટણી લડવામાં આવે.’
કોંગ્રેસના નિર્ણયે ગઠબંધનની વધારી ચિંતા
કોંગ્રેસે બીએમસીની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરીને મહાવિકાસ આઘાડી (MVA) ગઠબંધનની ચિંતા વધારી દીધી છે. આ ગઠબંધનમાં કોંગ્રેસની સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી એસપી પાર્ટી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, બીએમસીની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, ત્યારે તે પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો શરુ થઈ ગયો છે.
કોંગ્રેસ તરફથી 1150 ઉમેદવારોને ચૂંટણી લડવાની ઇચ્છા
કોંગ્રેસના મુંબઈ એકમે 6 નવેમ્બરે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, કોંગ્રેસે બીએમસી ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોને અરજી કરવા કહ્યું હતું, જેમાં 1150થી વધુ અરજી આવી છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ વર્ષા ગાયકવાડે ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ માટે 227 વોર્ડ માટે પ્રભારીની નિમણુંક કરી દેવાઈ છે. સાંસદ સુરેશચંદ્ર રાજહંસે કહ્યું છે કે, વર્ષા ગાયકવાડની આગેવાની હેઠળ તમામ નેતા, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.
આ પણ વાંચો : 'બિહારમાં મોટાભાગના ઓબ્ઝર્વર-અર્ધસૈનિક દળ ભાજપ શાસિત રાજ્યોના...' તેજસ્વીનો ગંભીર આરોપ

