Get The App

ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું - 'વીંટી પર રામ લખ્યું હતું...'

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું - 'વીંટી પર રામ લખ્યું હતું...' 1 - image

Maharashtra: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ યુનિટના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે 18મી સદીના સુલતાન ટીપુ સુલતાનની તુલના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી દીધી હતી. હવે આ મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સપકાલની ટિપ્પણીને શરમજનક ગણાવી છે. આ વચ્ચે હવે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ છે. ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ટીપુ સુલતાન હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ હતા.

ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડ્યા હતા: ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે, 'ટીપુ સુલતાન 1799 શહીદ થઈ ગયા હતા. તેઓ અંગ્રેજો સામે લડતા શહીદ થયા હતા. ટીપુએ જેલમાં બેસીને તમારા વીર (વીર સાવરકર)ની જેમ અંગ્રેજોને પ્રેમપત્રો નહોતા લખ્યા. ટીપુ સુલતાન પોતાના દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવા માટે શહીદ થયા હતા. અંગ્રેજો ટીપુથી એટલા ડરતા હતા કે ટીપુનો મૃતદેહ દોઢ કલાક સુધી ત્યાં પડ્યો રહ્યો. અંગ્રેજોએ મૃતદેહને ઘેરી લીધો હતો પરંતુ તેઓ ડરતા હતા કે જો સિંહ જાગી જશે તો શું થશે. જ્યારે તેઓ જોવા ગયા ત્યારે ટીપુનો મૃતદેહ ગરમ હતો.'



વીંટી પર રામ લખ્યું હતું

તેમણે આગળ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ સાહેબ, શું એ સાચું નથી કે ટીપુ પાસેથી મળેલી વીંટી પર રામ લખેલું હતું? 2014માં બરસાનિયામાં તેની હરાજી કરવામાં આવી હતી. શું એ ખોટું છે કે એપીજે અબ્દુલ કલામે તેમના પુસ્તક "વિંગ્સ ઓફ ફાયર"માં લખ્યું છે કે, આપણે રોકેટ ટેકનોલોજી દ્વારા ટીપુના સપના પૂરા કરી રહ્યા છીએ. એપીજે અબ્દુલ કલામ તો તમારા માટે વધુ આદર્શ છે.

મહાત્મા ગાંધીએ પણ કર્યો હતો ઉલ્લેખ

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જો તમે આ પણ ન સ્વીકારો તો ગાંધીજીને તો માનતા હશો. તેમણે પોતાની મેગેઝિન "યંગ એજ"માં લખ્યું હતું કે, ટીપુ સુલતાન હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક હતા. સેનાએ શ્રૃંગેરી મઠમાંથી સોનાની મૂર્તિ ઉઠાવી લીધી ત્યારે ટીપુ સુલતાને તેનું નિર્માણ કરાવ્યું હતું. ટીપુ સુલતાન એક રાજા હતા. દરેક રાજાને માત્ર પોતાની શક્તિથી મતલબ રહેતો હતો. પરંતુ હકીકતોને ખોટી રીતે રજૂ ન કરવી જોઈએ. અપ્પાજી રામ ટીપુ સુલતાનની સેનાના સેનાપતિ હતા. કૃષ્ણા રાવ તેમના સલાહકાર હતા. ભાજપ માત્ર નફરત પેદા કરવા માંગે છે. ભારતના પ્રથમ બંધારણના પુસ્તકમાં ટીપુની તસવીર છે.

આ તુલના નિંદનીય છે: દેવેન્દ્ર ફડણવીસે

તમને જણાવી દઈએ કે, બુલઢાણામાં પત્રકારો સાથે વાત કરતા સપકાલે માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શાન-એ-હિંદ નિહાલ અહેમદના કાર્યાલયમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવા અંગેના વિવાદ પર વાત કરી હતી, જેનો શિવસેનાના કાઉન્સિલરો અને હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'આ તુલના નિંદનીય છે અને કોંગ્રેસી નેતાને ખુદ પર શરમ આવવી જોઈએ.'

સપકાલે માફી માંગવી જોઈએ

નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મહારાષ્ટ્ર આ સહન નહીં કરશે. છત્રપતિ શિવાજી મહારાજની ટીપુ સુલતાન સાથે તુલના કરવા બદલ સપકાલે માફી માંગવી જોઈએ. કોંગ્રેસે આ બાબતની નોંધ લેવી જોઈએ અને તેના સાથી પક્ષોએ સપકાલની ટિપ્પણી પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.'