‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે', SCO સમિટ પર બોલ્યું ચીન
India-China Relations : ચીનના તિયાનજિન શહેરમાં 31 ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લે તેવી સંભાવના છે, ત્યારે ચીને પીએમ મોદીના આગામી ચીન પ્રવાસને લઈને સ્વાગત કર્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઝિંકીને ભારત, રશિયા અને ચીન પર દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પને સૌથી વધુ રશિયા સાથે વાંધો પડ્યો છે, જેના કારણે તેમણે રશિયા સાથે વેપાર કરનારા ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે, ત્યારે પીએમ મોદીની ચીન મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. જ્યારે ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યો ત્યારે ચીને અમેરિકાની નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ ગણાવ્યા
ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યા બાદ ચીને ગુરુવારે (7 ઓગસ્ટ) ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા હતા અને કહ્યું હતું કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે. ટ્રમ્પને વાંધો એ છે કે, ભારત રશિયા પાસેથી વધુ વેપાર કરે છે, તેથી જ તેમણે ભારત-અમેરિકાના ગાઢ સંબંધો ભૂલી વધુ ટેરિફ ઝિંકી રહ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. ચાઇનીઝ રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘Give the bully an inch, he will take a mile (ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસવા લાગે છે)’
ટ્રમ્પનો નિર્ણય એ UN અને WTOના નિયમનું ઉલ્લંઘન
ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે ફોન થયેલી વાતચીતનો એક મુદ્દો પણ શેર કર્યો હતો. ચીને કહ્યું હતું કે, ટ્રમ્પ આવા ટેરિફ લગાવીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંધન કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી યીએ કથિતરીતે કહ્યું કે, ‘ટેરિફનો ઉપયોગ અન્ય દેશોને દબાવવા માટે કરવો તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે અને આવા પગલા વિશ્વ વેપાર સંગઠન(WTO)ના નિયમોની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : ટ્રમ્પના નિર્ણયથી ગુસ્સે થયા આ બે દેશ, અમેરિકન ફાઈટર જેટ ખરીદવાની ડીલ છોડવાની તૈયારીમાં
ભારત-બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ
ઉલ્લેખનીય છે કે, ભારત, બ્રાઝિલ અને ચીન BRICS ગ્રૂપના સભ્યો છે. ટ્રમ્પે બ્રિક્સના દેશો પર અનેક આક્ષેપો કરીને મોટો ટેરિફ વસૂલવાની વાત કહી છે. ટ્રમ્પે ભારત-ચીન પર પણ ગંભીર આક્ષેપ કરતા રહ્યા છે. તેઓ વારંવાર કહેતા રહે છે કે, બંને દેશો રશિયા પાસેથી જે ક્રૂડ ખરીદી રહ્યા છે, તે નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે. ટ્રમ્પે ટેરિફ બોંબ ઝિંક્યા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપી કહ્યું છે કે, ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષાની ખાતરી કરવા માટે તમામ પગલા ભરશે.
મોદી-જિંદપિંગ વચ્ચે મુલાકાતની સંભાવના
મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ચીન પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (China President Xi Jinping) સાથે મુલાકાત કરી શકે છે. આ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજવાની સાથે મહત્ત્વની ચર્ચાઓ પણ થઈ શકે છે. લદ્દાખમાં LoC પર તણાવ ઘટાડવા, ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા, સરહદ પર વેપાર માર્ગો ફરી ખોલવા અને બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ પહેલા બંને દેશો વચ્ચે એલઓસી વિવાદ ખતમ કરવા માટે 21 ઓક્ટોબર-2024માં સમજૂતી થઈ હતી. ત્યારબાદ રશિયાના કઝાન શહેરમાં મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી, જ્યાં સંબંધો સમાન્ય કરવા અને સરહદ વિવાદ ઉકેલવા સહિત અનેક દ્વિપક્ષીય બાબતો પર સહમતી સધાઈ હતી.
આ પણ વાંચો : પગાર દાન કરનારો હું અમેરિકાનો પહેલો પ્રમુખ છું... જાણો ટ્રમ્પનો વધુ એક દાવો અને હકીકત