Fact Check: પગાર દાન કરનારો હું અમેરિકાનો પહેલો પ્રમુખ છું... જાણો ટ્રમ્પનો વધુ એક દાવો અને હકીકત
US President Salary : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ધ્યાનાકર્ષક પગલું ભર્યું છે. તેમણે પોતાનો પૂરેપૂરો પગાર વ્હાઇટ હાઉસને દાનમાં આપી દીધો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે, આવું કરનારો હું અમેરિકાનો એકમાત્ર પ્રમુખ છું. તો ચાલો જાણીએ કે ટ્રમ્પના આ દાવામાં કેટલું સત્ય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું દાવો કર્યો?
ટ્રમ્પે બુધવારે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ‘મને ગર્વ છે કે હું એકમાત્ર પ્રમુખ છું (સ્વર્ગસ્થ, ગ્રેટ જ્યોર્જ વોશિંગ્ટનના સંભવિત અપવાદ સિવાય) જેણે પોતાનો પગાર દાન કર્યો હોય. મારો પહેલો ‘પે-ચેક’ મેં વ્હાઇટ હાઉસ હિસ્ટોરિકલ એસોસિએશનને દાનમાં આપ્યો છે કારણ કે અમે ‘પીપલ્સ હાઉસ’માં નવીનીકરણ કરી રહ્યા છીએ. એનું નિર્માણ થયું ત્યાર પછી એમાં ક્યારેય સુધારા કરાયા નથી. ચાલો, અમેરિકાને ફરીથી મહાન બનાવીએ!’
સુધારણાની ખરેખર જરૂર છે?
ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મોટા પાયે આધુનિકીકરણ કરવા માંગે છે. તાજેતરમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે, ટ્રમ્પ વ્હાઇટ હાઉસના બોલરૂમના નવીનીકરણમાં આર્થિક સહાય કરી રહ્યા છે. લગભગ 150 વર્ષથી રાષ્ટ્રપતિ કાર્યાલયના સ્ટાફ દ્વારા મોટા કાર્યક્રમો યોજી શકાય એવી વિશાળ જગ્યાની માંગ કરવામાં આવતી રહી છે. આ બાબતે ટ્રમ્પે વચન આપ્યું કે, હું આ માંગ પૂરી કરીશ.
ટ્રમ્પના દાવામાં સત્ય કેટલું?
ટ્રમ્પ પોતાને ‘પગાર દાન કરનારા એકમાત્ર અમેરિકન પ્રમુખ’ તરીકે રજૂ કરે છે. અલબત્ત, તેઓ આ બાબતે અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનને સંભવિત અપવાદ ગણાવે છે, પરંતુ ઐતિહાસિક રેકોર્ડ્સ કંઈક જુદી જ વાત કહે છે. પૂર્વ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન, જોન એફ. કેનેડી અને હર્બર્ટ હૂવરે પણ પોતાના પગાર દાન કરી દીધા હતા. એટલે ટ્રમ્પ આવી સખાવત કરનારા પહેલા રાષ્ટ્રપતિ હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.
આ પણ વાંચો : એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ ભારત સાથે વેપાર બંધ કર્યો? ટ્રમ્પના ટેરિફની સાઈડ ઈફેક્ટ!
ટ્રમ્પને મળે છે અધધધ પગાર
વર્ષ 2001 માં નક્કી કરવામાં આવેલા પગાર દર મુજબ અમેરિકન પ્રમુખને દર વર્ષે 400,000 ડોલર (રૂ. 3,48,00,000) પગાર મળે છે. આ ઉપરાંત પ્રમુખને બીજા પણ લાભ મળે છે, જે નીચે મુજબ છે.
- ખર્ચ ભથ્થું - 50,000 ડોલર (રૂ. 43,50,000)
- પ્રવાસ ખર્ચ - 1,00,000 ડોલર (રૂ. 87,00,000)
- મનોરંજન ભંડોળ - 19,000 ડોલર (રૂ. 16,53,000)
આમ, અમેરિકાના પ્રમુખને મળતું સત્તાવાર વળતર વાર્ષિક 569,000 ડોલર (લગભગ રૂ. 4,95,00,000) જેટલું થાય છે. વધારામાં પદ સંભાળતી વખતે પ્રમુખને વ્હાઇટ હાઉસને પસંદગી મુજબ સજાવવા માટે 1,00,000 ડોલર (રૂ. 87,00,000) મળે છે.
ટ્રમ્પની નેટવર્થ કેટલી છે?
ટ્રમ્પની નેટવર્થ કેટલી છે એની પાકી માહિતી મળતી નથી. ફોર્બ્સે તેમની પાસે કુલ 5.1 બિલિયન ડોલરની સંપત્તિ હોવાનું મૂલ્યાંકન કર્યું છે. બ્લૂમબર્ગે આ રકમ 7.08 બિલિયન ડોલર હોવાનો અંદાજ લગાવ્યો હતો. જ્યારે એક્સિઓસ તો તેમની નેટવર્થ 58 બિલિયન ડોલર હોવાનું કહે છે. ટ્રમ્પના વ્યવસાય ક્રિપ્ટો ડીલ્સ, લાઇસન્સિંગ, રોયલ્ટી, એન્ટરટેનમેન્ટ, કન્સ્ટ્રક્શન્સ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ જેવા અનેક ક્ષેત્રમાં ફેલાયેલા હોવાથી તેઓ અધધધ કમાણી કરે છે.