'આ તો ફક્ત શરૂઆત છે...', ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજિત દીપકેનો નવો VIDEO
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhijeet Dipke CJP Video : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને 37 દિવસના લાંબા પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંસ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. ટાઇફૉઇડ અને તીવ્ર તાવ હોવા છતાં તેમણે સમર્થકો તેમજ પોતાની આલોચના કરનારાઓનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
"આ તો માત્ર શરૂઆત છે, હજી ઘણું દૂર જવાનું છે"
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJP એ શનિવારે જ જંતર-મંતર ખાલી કરી દીધું હતું. ત્યારબાદ અભિજિત દીપકેએ સવારે પોતાના બેડરૂમથી વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે આશરે 37 દિવસના સંઘર્ષ બાદ આજે શાંતિથી ઊંઘ આવી છે અને મનમાં કોઈ પ્રકારનું ટેન્શન નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ અંત નથી, પરંતુ પાર્ટીની સાચી રાજકીય શરૂઆત છે અને CJP ને હજી ઘણું આગળ જવાનું છે.
સમર્થકો અને આલોચકોનો માન્યો આભાર
વીડિયોમાં અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે, "ગુડ મોર્નિંગ, આજે ખૂબ જ સારું લાગી રહ્યું છે. ઘણા દિવસો બાદ આરામથી સુઇ શક્યો છું. છેલ્લા 37 દિવસમાં જે થયું તે સરળ નહોતું. હું દરેક સમર્થકનો આભાર માનું છું કે જેમણે અમારા પર ભરોસો મૂક્યો. તમારા સમર્થન વગર આ શક્ય નહોતું." તેણે ઉમેર્યું કે, "જે લોકોએ અમારી આલોચના કરી અથવા અમારા પર શંકા વ્યક્ત કરી, હું તેમનો પણ આભાર માનું છું. જો તમે સવાલ ન કર્યા હોત તો અમે સુધારો ન કરી શકત." આ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તેમને ટાઇફૉઇડ થયો હતો અને તાવ ઘણો વધારે હતો છતાં તેઓ મક્કમ રહ્યા.
સરકારે સ્વીકારી CJP ની મુખ્ય 3 માંગણીઓ
આ આંદોલન દરમિયાન સરકાર દ્વારા CJP ની મુખ્ય 3 માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પદ પરથી રાજીનામું આપવામાં આવે. પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવામાં આવે અને નવી એફઆઈઆર ન નોંધાય. NEET ના પીડિત પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવે. આ માંગણીઓ પૂરી થતાં જ જંતર-મંતર પર ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ભારે ઉજવણી કરી હતી અને ત્યારબાદ સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું.
શું ચૂંટણીમાં મેદાને ઉતરશે CJP?
છેલ્લા 36 દિવસના આ ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ રાજકીય ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું CJP આગામી સમયમાં ચૂંટણીમાં પણ પોતાની કિસ્મત અજમાવશે? જોકે પાર્ટી તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અભિજિત દીપકેના "અમને હજી ઘણું દૂર જવાનું છે" ના નિવેદનથી રાજકીય અટકળો ચોક્કસપણે તેજ થઈ ગઈ છે.









