ભાજપનાં દિગ્ગજ નેતાને લૂંટારૂઓએ તેમના જ ફાર્મ હાઉસમાં બરોબરના માર્યા અને 50 લાખની લૂંટીને જતા રહ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kanpur BJP Leader Ramesh Yadav Robbery : ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભાજપના નેતા રમેશ યાદવના ફાર્મહાઉસમાં લૂંટની ઘટના સામે આવી છે. ભાજપના પછાત વર્ગ મોરચાના નવનિયુક્ત પ્રદેશ મંત્રી રમેશ યાદવને બાનમાં લઈને લૂંટારુઓએ આશરે 50 લાખ રૂપિયાની રોકડ અને કિંમતી સામાન લૂંટી લીધો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દિવસ દરમિયાન લખનઉમાં નવી જવાબદારી સંભાળીને કાનપુર પરત ફરેલા રમેશ યાદવ સાથે રાત્રે આ ઘટના બની હતી. બુકાનીધારી લૂંટારુઓએ ફાર્મહાઉસમાં ઘૂસીને તેમના હાથ-પગ બાંધી દીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
બુકાનીધારી લૂંટારુઓએ રમેશ યાદવને બાનમાં લીધા
મળતી માહિતી પ્રમાણે, રમેશ યાદવને ભાજપના પછાત વર્ગ મોરચાના પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા બાદ તેઓ લખનઉમાં પદભાર સંભાળવા ગયા હતા. ત્યાંથી મોડી સાંજે કાનપુર પરત ફર્યા બાદ તેઓ શહેરથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા પોતાના ફાર્મહાઉસમાં હતા. આ દરમિયાન મધરાતે બુકાનીધારી શખ્સો ફાર્મહાઉસમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ સૌપ્રથમ રમેશ યાદવને કાબૂમાં લઈને તેમના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ ઘરમાં તપાસ કરીને આશરે 50 લાખ રૂપિયાની રોકડ અને કિંમતી સામાન લૂંટી લીધો હતો. આ ઘટનામાં બહાર તહેનાત સુરક્ષાકર્મીને પણ અંદર ચાલી રહેલી લૂંટની જાણ પણ થઈ નહોતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી
ભાજપના નેતાના ફાર્મહાઉસમાં લૂંટની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર ડૉ. વિપિન તાડા, દક્ષિણ ઝોનના ડીસીપી દીપેન્દ્રનાથ ચૌધરી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ફાર્મહાઉસ અને આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. લૂંટારુઓની ઓળખ મેળવવા અને તેમને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, અહેવાલ મુજબ ઘટનામાં સંડોવાયેલા શખ્સો અંગે પોલીસને હજુ સુધી નક્કર કડી મળી નથી.
ત્રણ વખત બ્લૉક પ્રમુખ રહી ચૂક્યા છે રમેશ યાદવ
રમેશ યાદવ કાનપુરના વરિષ્ઠ રાજકીય નેતા છે. તેઓ ત્રણ વખત બ્લૉક પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે તેમની પત્ની શશિ યાદવ પણ બ્લૉક પ્રમુખ રહી ચૂક્યાં છે. વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમણે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે બિઠૂર બેઠક પરથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને તાજેતરમાં તેમને ભાજપના પછાત વર્ગ મોરચાના પ્રદેશ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. નવી રાજકીય જવાબદારી મળ્યાના દિવસે જ તેમના ફાર્મહાઉસમાં બનેલી લૂંટની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે. પોલીસ હાલ તમામ પાસાં તપાસી રહી છે.




