Kiren Rijiju On Delhi Pollution : દેશની રાજધાની દિલ્હી ઘણા સમયથી ભયાનક પ્રદૂષણનો સામનો કરી રહી છે, અહીં રોજબરોજ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં વધારો થઈ રહ્યો છે, રાજધાનીના લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે, ત્યારે સંસદના શિયાળુસત્રમાં દિલ્હીના પ્રદૂષણ અંગે કોઈપણ ચર્ચા કરવામાં આવી નથી. આ મામલે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ‘અમે પ્રદૂષણ પર ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસને પ્રદૂષણ પરની ચર્ચા મહત્ત્વની લાગી નથી અને તેઓએ હંગામો કર્યો હતો.’
કોંગ્રેસના કારણે પ્રદૂષણ પર ચર્ચા ન થઈ
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘એક પસ્તાવો રહી ગયો છે કે, અમે આખા દિવસ દરમિયાન પ્રદૂષણ અંગે ચર્ચા કરવા માટે તૈયાર હતા. પરંતુ કોંગ્રેસે અન્ય પાર્ટીઓને ઉશ્કેર્યા અને ભડકાવ્યા, ગૃહના વેલમાં ઘૂસીને અંધાધૂંધી અને વિક્ષેપ ઉભો કર્યો, જેના કારણે ચર્ચા ન થઈ શકી.’
આ પણ વાંચો : કોંગ્રેસમાં ફરી CMની ખુરશી માટે ખેંચતાણ! 30 ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ
રિજિજૂએ ચૂંટણી પંચ પર આક્ષેપ કરનારાઓને આપ્યો જવાબ
રિજિજુએ અન્ય બિલ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, ‘સત્ર દરમિયાન પાસ થયેલા બિલો કરોડો લોકોનું જીવન શ્રેષ્ઠ બનાવશે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમે ‘વંદે મારતમ્’ પર વ્યાપક ચર્ચા કરીને અમારી દેશભક્તિની ભાવનાને આગળ વધારી છે. ઘણા લોકોએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા, જોકે સંસદના બંને ગૃહોમાં ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કર્યા બાદ બધુ સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી પંચ અને ચૂંટણી સિસ્ટમ પર આક્ષેપ કરનારાઓનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. ચૂંટણી પંચ અને ચૂંટણી સુધારાઓ પર અલગથી ચર્ચા કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે. આ ચર્ચા પછી બધું જ સ્પષ્ટ થઈ ગયું છે, તેથી વિપક્ષે અમારો આભાર માનવો જોઈએ.’
રિજિજૂએ વિપક્ષ પર સાધ્યું નિશાન
તેમણે મનરેગા બિલ અંગે કહ્યું કે, ‘કેટલાક લોકોએ મનરેગાનો ઉપયોગ કરીને લૂંટ અને ભ્રષ્ટાચાર કરતા હતા. આવું ન થાય તે માટે ‘વિકસિત ભારત : જી રામ જી’ બિલ લાવવામાં આવ્યું. આ બિલથી ભારતમાં ક્રાંતિ આવશે. જોકે તેમ છતાં વિપક્ષે બિલનો વિરોધ કર્યો હતો, તેથી સ્પષ્ટ થાય છે કે, વિપક્ષ શ્રમિકો વિરોધી છે. વિપક્ષોએ તમામ બિલોનો સતત વિરોધ કર્યો, તે જોઈને એવું લાગે છે કે, આ લોકો માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે.’


