India

'તો હું અનશન ખતમ કરી દઈશ...' સોનમ વાંગચુકે જનતા સામે રાખી 'શરત', 9 કિલો વજન ઘટ્યું

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા શરત મૂકી છે. NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે તેઓ આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે 20 જુલાઈએ યોજાનારી સંસદ માર્ચને સફળ બનાવવા અપીલ કરી છે. જો માર્ચ સફળ થશે, તો તેઓ ઉપવાસ તોડશે. 19 દિવસમાં 9 કિલો વજન ઘટ્યું હોવા છતાં તેમનું મનોબળ અડગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તો હું અનશન ખતમ કરી દઈશ...' સોનમ વાંગચુકે જનતા સામે રાખી 'શરત', 9 કિલો વજન ઘટ્યું

Sonam Wangchuk Hunger Strike Jantar Mantar 2026: દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક હવે પોતાના ઉપવાસ ખતમ કરવા માટે તૈયાર થયા છે, પરંતુ આ માટે તેમણે દેશની જનતા સામે એક મોટી શરત મૂકી છે. નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અને દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના મંચ પરથી આંદોલન ચલાવી રહેલા વાંગચુકે સંકેત આપ્યો છે કે, જો 20 જુલાઈના રોજ યોજાનારો સંસદ માર્ચ સફળ રહેશે તો તેઓ પોતાના ઉપવાસનો અંત લાવશે.

19 દિવસમાં 9 કિલો વજન ઘટ્યું, છતાં મનોબળ મક્કમ

ભૂખ હડતાળના કારણે સોનમ વાંગચુકનું વજન 9 કિલો જેટલું ઘટી ગયું છે અને તેમનું શરીર પણ ખૂબ નબળું પડ્યું છે. એક વિડીયો સંદેશ જાહેર કરીને તેમણે જણાવ્યું કે, “હજારો લોકો મને મેસેજ કરીને ઉપવાસ તોડવાની અપીલ કરી રહ્યા છે. મેડિકલ તપાસ મુજબ મારા શરીરમાં નબળાઈ ચોક્કસ છે, પરંતુ સ્થિતિ એટલી ખતરનાક નથી કે 3-4 દિવસમાં જીવ જતો રહે. લોકોને મારા જીવની ચિંતા છે, પણ પેપર લીકના કારણે જીવ આપનારાએ 20 વિદ્યાર્થીઓનું શું? મારું સ્વાસ્થ્ય દેશના ભવિષ્ય કરતાં મોટું નથી.”

જનતાની ચિંતા માનવીને વાંગચુકે કાઢ્યો ‘મધ્યમ માર્ગ’

લોકોની લાગણીને માન આપીને સોનમ વાંગચુકે વચલો રસ્તો (મધ્યમ માર્ગ) કાઢ્યો છે. તેમણે 20 જુલાઈના સંસદ માર્ચને સફળ બનાવવા માટે જનતાને અપીલ કરી છે. જોકે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે આ માર્ચની સફળતાનો માપદંડ શું હશે અને તેઓ કેટલી ભીડને સફળતા ગણશે. વાંગચુકે વિડીયોમાં ભાવુક અપીલ કરતાં કહ્યું કે, “હું તમને માત્ર મને ઉપવાસ તોડવાનું કહેવાને બદલે એક નાનું પગલું ભરીને મોટી સંખ્યામાં આ માર્ચમાં જોડાવા માટે કહીશ. તમે મિસ્ડ કોલ કરીને પણ જણાવી શકો છો કે તમે આ માર્ચમાં આવી રહ્યા છો. આ રેલીમાં પોતાની માતાઓને પણ સાથે લાવો, કારણ કે માતાના દિલમાં બાળકો માટે જે પ્રેમ હોય છે તેવો ક્યાંય નથી હોતો. હું ઈચ્છીશ કે માતાઓ આ સંસદ માર્ચની આગેવાની કરે.”

‘માર્ચ સફળ રહેશે તો હું રાહતની ઊંઘ લઇ શકીશ’

સોનમ વાંગચુકે વધુમાં ઉમેર્યું કે, “આપણે સૌ 20 જુલાઈએ મળીશું. જો આ સંસદ માર્ચ સફળ રહ્યો તો હું તમને ખાતરી આપું છું કે જ્યારે આ સમગ્ર મુદ્દો સાચા હાથોમાં જશે, ત્યારે હું રાહતની ઊંઘ લઈ શકીશ અને મારા ઉપવાસ પણ તોડી નાખીશ. જો હું અત્યારે જ લડત આપ્યા વિના હટી જઈશ, તો સરકારને એવો સંદેશ જશે કે તેમની કોઈ જવાબદારી જ નથી અને લોકો પોતાની મેળે જ જતા રહેશે.” આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.