India

મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ: ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું- અમે પ્રયાસ જ નથી કર્યો!

By GS Team
10 Sep 20263 mins read
TukuTouch Logo
ઉજ્જૈનમાં 2028ના સિંહસ્થ કુંભમેળાની તૈયારી અંતર્ગત રોડ વિસ્તરણ માટે એક મંદિર તોડી પડાયું. જોકે, ગર્ભગૃહમાં બિરાજમાન ખડે હનુમાનજીની મૂર્તિ ભારે મશીનરીથી પણ 1 ઇંચ ખસી નહીં. 4 વખત પ્રયાસો નિષ્ફળ જતાં, તંત્ર દ્વારા હવે આધુનિક સાધનોથી સ્કેનિંગ કરાશે. ભક્તો તેને દૈવી ચમત્કાર ગણી રહ્યા છે, અને પૂજારીએ પણ મૂર્તિને ત્યાં જ રાખવાની વિનંતી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ: ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું- અમે પ્રયાસ જ નથી કર્યો!

Ujjain's Khade Hanuman : જ્યારે વિકાસના વિશાળ બુલડોઝર અને અડગ ધાર્મિક આસ્થા સામસામે આવી જાય ત્યારે શું થાય? ધાર્મિક નગરી ઉજ્જૈનમાં હાલ કંઈક આવો જ અસામાન્ય અને આશ્ચર્યજનક કિસ્સો ચર્ચાના કેન્દ્રસ્થાને બન્યો છે. મહાકાલની નગરીમાં ઐતિહાસિક સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ વચ્ચે રોડ વિસ્તરણ માટે આખેઆખું મંદિર પાડી દેવામાં આવ્યું, પરંતુ ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન હનુમાનજીની મૂર્તિ પોતાની જગ્યા પરથી એક ઇંચ પણ ખસી નથી. મંદિરના પૂજારી તથા ભક્તોનો દાવો છે કે તંત્ર દ્વારા ભારે મશીનરી લગાવીને મૂર્તિ હટાવવાના વારંવાર કરાયેલા પ્રયાસો નિષ્ફળ સાબિત થતાં સમગ્ર પંથકમાં આ ઘટના હવે દૈવી સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

સિંહસ્થ કુંભ પહેલા હટાવાઇ રહ્યા છે દબાણ

ઉજ્જૈનમાં દર 12 વર્ષે યોજાતો વિશ્વપ્રસિદ્ધ 'સિંહસ્થ કુંભમેળો' વર્ષ 2028માં યોજાનાર છે. ભગવાન શિવ અને ઉજ્જૈનના પ્રાચીન મંદિરોની આ પાવન ધરા પર કરોડો શ્રદ્ધાળુઓ ક્ષિપ્રા નદીમાં પવિત્ર સ્નાન કરવા ઉમટી પડશે. જે હેઠળ  વહીવટી તંત્ર દ્વારા એવો પ્લાન બનાવવામાં આવ્યો હતો કે ખડે હનુમાન મંદિરની મૂર્તિને નવા સ્થળે સ્થાનાંતરિત કરવામાં આવશે. યોજના મુજબ તંત્રની ટીમોએ ભારે મશીનરી વડે મૂર્તિની આસપાસનું મંદિરનું સમગ્ર માળખું તોડી પાડ્યું. પરંતુ હજુ સુધી હનુમાનજીની મૂર્તિ ખસેડવામાં આવી નથી. સ્થાનિક લોકો તથા પૂજારીનો દાવો છે કે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વિશાળ અર્થમુવર્સ અને ભારે મશીનો વડે મૂર્તિ ખસેડવાના સતત 4 પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ નિષ્ફળ રહ્યા. મશીનોની તાકાત પણ આ મૂર્તિને જમીન પરથી હલાવી શકી નહીં. આખરે તંત્રને ભારે મશીનરીનો ઉપયોગ તાત્કાલિક ધોરણે રોકી દેવાની ફરજ પડી હતી.

સોશિયલ મીડિયામાં સમગ્ર મુદ્દે ભારે ચર્ચા

આ ઘટનાક્રમ સામે આવતા જ સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થવા લાગ્યા છે. મશીનો નિષ્ફળ ગયા બાદ ઘણા ભક્તો તેને 'દૈવી ચમત્કાર' ગણાવી રહ્યા છે. આ રહસ્યમય માહોલમાં વધુ રસપ્રદ બાબત ત્યારે બની જ્યારે ઘટનાસ્થળ નજીક અચાનક વાનરોનું એક મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં સમગ્ર મામલો લોકઆસ્થાના એક નવા જ શિખરે પહોંચી ગયો છે. મંદિરના પૂજારી મહેશ બૈરાગીએ કહ્યું કે, બાબા (ભગવાન હનુમાનજી) આપણને દરરોજ સંકેત આપી રહ્યા છે કે તેઓ અહીં જ રહેવા માંગે છે. મારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ સંકેતોને સમજે. જો મૂર્તિ હટાવવી જ પડે તેમ હોય, તો પણ હું ઈચ્છું છું કે પ્રભુની મૂર્તિને અત્યારે જે સ્વરૂપ અને સ્થિતિમાં છે તે જ રીતે સંપૂર્ણ સુરક્ષિતપણે સ્થાનાંતરિત કરવામાં આવે.

આધુનિક સાધનોથી સ્કેનિંગ કરાશે સ્ટ્રક્ચર

કોઈપણ પ્રકારની બળજબરી કરવાને બદલે તંત્ર હવે વિજ્ઞાનનો સહારો લઈ રહ્યું છે. સ્થાનિક અહેવાલો મુજબ, મૂર્તિના પાયા અને તેની આસપાસના સ્ટ્રક્ચરનું આધુનિક સાધનોથી સ્કેનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી સમજી શકાય કે મૂર્તિ જમીન સાથે કઈ રીતે જોડાયેલી છે. હાલ પૂરતું, આ ઐતિહાસિક મૂર્તિને ખુલ્લા આકાશ નીચે વાતાવરણથી બચાવવા માટે તેના પર કામચલાઉ કેનોપી ગોઠવી દેવામાં આવ્યું છે.

અમે હજુ સુધી એક પણ પ્રયાસ નથી કર્યા, વૈજ્ઞાનિકોની સલાહ પ્રમાણે કામ કરીશું: SDM

ઉજ્જૈનના SDM ગર્ગે કહ્યું છે કે, તંત્ર દ્વારા લોકોની આસ્થા અને ભાવનાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે તંત્રએ ખડે હનુમાનજીની મૂર્તિ હટાવવા પ્રયાસ કર્યા છે પણ અમે મૂર્તિને હટાવવા અત્યાર સુધી કોઈ પ્રયાસ નથી કર્યા. વૈજ્ઞાનિકોની સલાહ લીધા બાદ જ મૂર્તિ વિસ્થાપિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.